- અમદાવાદના વટવા વિસ્તારમાં વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
- 70 કરોડના ખર્ચે બનાવ્યો પ્લાન્ટ
- કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
ગાંધીનગર: અમદાવાદના વટવા ઔદ્યોગિક વસાહતમાં 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીથી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું.
700 જેટલા ઉદ્યોગોને મળશે ફાયદો
ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા અદ્યતન ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલીક રિએક્ટર ટેકનોલોજી સજ્જ આ પ્લાન્ટનો લાભ વટવા GIDCના 700 જેટલા ઉદ્યોગોને મળશે. આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100 ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બનશે.
દૂષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેક્ટની સ્થાપના કરી છે
આ ગ્રીન એન્વાયરમેન્ટ કો-ઓપરેટીવ સોસાયટીને અભિનંદન આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગ ગૃહોએ સાથે મળીને સહકારીતાના આધાર પર દુષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્રોજેક્ટની સ્થાપના કરી છે, તે અભિનંદનને પાત્ર છે.

વિસ્તારમાં ગંદકી દૂર થશે, પર્યાવરણ શુદ્ધ થશે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપણે સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ, ઘરગથ્થું ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર, સોલાર પોલિસી, ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવી કલાઇમેટ ચેન્જ - ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ રક્ષા અને વાતાવરણ શુદ્ધિનો દેશને માર્ગ બતાવ્યો છે.

હજુ 19 પ્લાન્ટનું સરકારનું આયોજન
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટે રાજ્યમાં CETPને વેગ આપીને 750થી વધુ એમ.એલ.ડી પાણી શુધ્ધિકરણ ક્ષમતાના 35 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 19 જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે.
ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટસ રાજ્યમાં આકાર લેશે તેથી નદીઓ શુદ્ધ થશે
રાજ્યમાં જેતપૂર, અમદાવાદ, સુરત, વડોદરાના વિસ્તારોના ઉદ્યોગોના ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધિકરણ કરીને પર્યાવરણીય રીતે દરિયામાં ઉંડે નિકાલ કરવા ખર્ચે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટસ રાજ્યમાં આકાર લઇ રહ્યો છે. આના પરિણામે નદીઓ શુધ્ધ થશે.