ગાંધીનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણ બાબતે સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખુબ ગંભીર હોવાનું દર્દીઓના મોતના આંકડા અને પોઝિટિવ કેસની વધતી સંખ્યા ઉપરથી ફલીત થઇ રહ્યું છે. કોરોના બેકાબુ બની રહ્યો છે, ત્યારે તંત્ર લાચાર બની ગયુ છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં છેલ્લા 2 દિવસ દરમિયાન 3 દર્દીના મોત થયા છે અને 18 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રવિવારે એક દર્દીનું મોત અને 10 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે સોમવારે 2 દર્દીના મોત સાથે 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 38 દર્દીના મોત થઇ ચૂક્યાં છે અને 95 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. રવિવારે કલોલમાં રહેતી 63 વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયુ હતું. જ્યારે ગાંધીનગર તાલુકામાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેમાં પેથાપુરમાં 55 વર્ષના પુરૂષ અને 80 વર્ષની વૃદ્ધા, ઝુંડાલમાં 43 વર્ષની મહિલા, અડાલજમાં પણ 42 વર્ષની મહિલા તેમજ રૂપાલમાં 47 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.
માણસામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેમાં ઇશ્વરપુરામાં 44 વર્ષની મહિલા, વેડામાં 60 વર્ષની મહિલા અને બાલવામાં 48 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે દહેગામ અર્બનમાં 47 વર્ષના પુરૂષ અને કલોલ અર્બનમાં 30 વર્ષની યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આમ રવિવારે કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયુ છે.
જ્યારે સોમવારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 2, કલોલ શહેરમાં બે અને દહેગામ તાલુકમાં એક કેસ ઉપરંત અડાલજ ટોલટેક્સના 3 કર્મચારી સહિત કુલ 8 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ગાંધીનગર તાલુકામાં જામનગરપુરા ગામમાં 50 વર્ષીય પુરૂષ અને વાવોલ ગામમાં 34 વર્ષીય મહિલા, કલોલ શહેરમાં 57 અને 75 વર્ષીય પુરૂષ અને દહેગામના જીંડવા ગામમાં 66 વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 448 પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાં 95 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 315 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે. જિલ્લામાં કુલ 15589 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરાયા છે. જેમાં 15527 વ્યક્તિ હોમ કોરેન્ટાઇન, 6 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં કોરેન્ટાઇન અને 56 વ્યક્તિને ખાનગી ફેસીલીટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.