- રાજ્યમાં કોરોનાની વણસતી પરિસ્થિતિને લઈને કોવિડ ટાસ્ક ફોર્સની પ્રેસ કોન્ફરન્સ
- કોરોનાનું નવું વેરિયન્ટ જૂના વેરિયન્ટ કરતા ઝડપી પ્રસરતો હોવાનો ટાસ્ક ફોર્સના સભ્યનો દાવો
- હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચવા માટે વેક્સિનેશન એ અમારો બીજો મુખ્ય ધ્યેય: ડૉ. વી. એન. શાહ
ન્યૂઝ ડેસ્ક: રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. વી. એન શાહે જણાવ્યું હતું કે, "કોરોના મહામારી એ એક વાઈરલ યુદ્ધ છે. જે બધાએ સાથે મળીને લડવાનું છે. વેક્સિનેશન બાદ પણ કોરોનાના કેસ નોંધાતા હોય છે. જેથી માત્ર માસ્ક, સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોનાથી સંપૂર્ણપણે બચવાનો રસ્તો છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " કોરોના વાઈરસનો UK વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતા 4થી 5 ગણું વધારે ઝડપથી પ્રસરે છે."
આ પણ વાંચો: કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લો
વેક્સિનેશનને માસ મૂવમેન્ટ બનાવવાની જરૂર
ડૉ. વી. એન શાહના જણાવ્યા પ્રમાણે, "જો 70 ટકા વસતી સંક્રમિત થાય ત્યારે અથવા તો 100 ટકા વસતી જ લોકો વેક્સિન લઈ લે, ત્યારે હર્ડ ઈમ્યુનિટી તરફ જઈ શકાય તેમ છે. વેક્સિનેશન જે બીજો મુખ્ય ધ્યેય છે. ઝડપી અને સૌથી જલદી અસરગ્રસ્ત થતા લોકોને ઝડપી વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનને માસ મૂવમેન્ટ બનાવવાની જરૂર છે. જેના માટે તમામ લોકોએ એકસાથે કામ કરવું પડશે. ગામે ગામે કમિટી બનાવવાની જરૂરી છે. જે લોકોને વેક્સિનની ખરેખર જરૂર છે, તેમણે વેક્સિન લઈ લેવી જોઈએ અને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે પ્રેરવા જોઈએ."
શા માટે પરિવારના એક સભ્યનો ચેપ અન્ય લોકોને જલદી લાગે છે?
છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના વિવિધ વેરિયન્ટ આવી રહ્યા છે. ત્યારે હાલમાં હાહાકાર મચાવી રહેલા UK વેરિયન્ટને લઈને ડૉ. વી. એન શાહે જણાવ્યું કે, "આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતા 4થી 5 ગણું ઝડપી પ્રસરે છે. જેથી જ પરિવારનો એક સભ્ય કોરોના સંક્રમિત થતા અન્ય સભ્યો ઝડપથી સંક્રમિત થઈ જતા હોય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઈઝેશન અને વેક્સિનેશન જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે."