- ગુજરાતના પ્રોજેકટને બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે કરવાની સમીક્ષા
- વર્લ્ડ બેન્ક - AIIBની ઈન્ટરનેશનલ ટીમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક
- મિશન સ્કુલ ઓફ એક્સલન્સ”માં વર્લ્ડ બેન્કે 500 મિલિયન ડોલર ફન્ડિંગ મંજૂર
- વધારાના 250 મિલિયન ડોલર સાથે વર્લ્ડ બેંક કુલ 750 મિલિયન ડોલર આપશે
- સમગ્રતયા 1 બિલીયન ડોલર ફન્ડિંગ વર્લ્ડ બેન્ક - AIIB તરફથી મળશે
- આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણક્ષેત્રે 10 હજાર કરોડ ખર્ચ કરાશે
ગાંધીનગર : સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા તેમ જ બાળકો માટે સ્માર્ટ ક્લાસ રુમ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધા આપવા આ મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ (Mission School of Excellence) હાથ ધરવામાં આવેલું છે, આ પ્રોજેક્ટ અન્વયે આગામી પાંચ વર્ષમાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડ ખર્ચ કરવામાં આવશે.
1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું
વર્લ્ડ બેંક દ્વારા 500 મિલિયન ડોલરના ફંડીગને મંજૂરી આપવામાં આવી છે, અને સમગ્ર પ્રોજેક્ટને ઈફેક્ટીવ જાહેર કરાયો છે. ઉપરાંત વર્લ્ડ બેન્ક વધારાના 250 મિલિયન ડોલર માટે કાર્યવાહી કરી રહ્યું છે આમ વર્લ્ડ બેંકના 750 મિલિયન ડોલર આ પ્રોજેક્ટમાં મળશે. એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક – AIIB સાથે 250 મિલિયન ડોલર ફંડિંગ મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. સમગ્રતયા કુલ 1 બિલિયન ડોલરનું ફંડિંગ મેળવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક
સમગ્ર દેશનો શિક્ષણક્ષેત્રે સૌથી મોટો પ્રોજેકટ
સમગ્ર દેશમાં કોઈ રાજ્યમાં સોશિયલ સેક્ટર માટેનો અત્યાર સુધીમાં વર્લ્ડ બેન્ક સહાયિત આ મોટોમાં મોટો પ્રોજેક્ટ છે, AIIB વિશ્વમાં પ્રથમવાર શિક્ષણક્ષેત્રનો પ્રોજેક્ટ એક માત્ર ગુજરાત સાથે કરી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતામાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” પ્રોજેક્ટ બળ પુરુ પાડશે તેમ જણાવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સહાય માટે વર્લ્ડ બેન્ક અને AIIB નો આભાર CM પટેલે વ્યક્ત કર્યો હતો.
કોવિડમાં શિક્ષણની કામગીરી વખાણી વર્લ્ડ બેંકે
વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ કમાલે સીએમ ભૂપેન્દ્ર પટેલને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવી રહેલા શૈક્ષણિક સુધારણાના પગલાઓ તથા ખાસ કરીને કોવીડ દરમિયાન થયેલી કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા છે. ગુજરાતના આ મોડેલને સ્ટડી કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રદર્શિત કરશે. આગામી સમયમાં વર્લ્ડ બેંક વિશ્વ કક્ષાની એક કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કોન્ફરન્સના વિશ્વભરમાંથી આવનાર પ્રતિનિધિઓને તેઓ ગુજરાતની મુલાકાતે લાવશે. વર્લ્ડ બેંક માટે ગુજરાત ખૂબ મહત્વનું પાર્ટનર છે અને આ પાર્ટનરશીપ વધુ ને વધુ આગળ વધારવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રે ફન્ડિંગ
AIIBના ડાયરેક્ટર જનરલ કીમ હુનએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા વિશ્વમાં સર્વપ્રથમ વખત શિક્ષણક્ષેત્રે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું છે, અને આ ફંડ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ અને ક્ષમતા જોઈને આપવામાં આવી રહ્યુ છે. આગામી ૫થી ૬ વર્ષમાં આ “મિશન સ્કુલ ઓફ એક્સલન્સ” દ્વારા એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. ગુજરાતમાં આના પરિણામે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બનશે. “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”એ રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનો મોટા પાયે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરવામાં આવેલ દેશનો સર્વ પ્રથમ પ્રોજેક્ટ છે તે સમગ્ર દેશ માટે દિશાસૂચક સાબિત થશે.
આ પણ વાંચો: પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
કુલ 20,000 શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવશે
“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત આગામી 2 તબક્કામાં 1500 દિવસમાં 15,000 મોટી પ્રાથમિક શાળાઓ અને 5000 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ 20,000 શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે. આ 20,000 એટલે કે આશરે 50 ટકા શાળાઓમાં હાલ 40 લાખ વિદ્યાર્થીઓ એટલે કે કુલ બાળકો પૈકી 80 ટકા વિદ્યાર્થીઓ ભણે છે, અને તે વધીને આવતા પાંચ વર્ષમાં 45 લાખ (90 ટકા) સુધી પહોંચી શકે છે.
કેવા કરવામાં આવશે આયોજન
“મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ” અંતર્ગત સ્કૂલ ટ્રાન્સફોર્મેશન સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અન્વયે તમામ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં Civil Infrastructure, Digital Infrastructure, Smart Classrooms, Computer Labs, STEM Labs, Language Lab, Online Assessments, Remedial Classes, Holistic Education સ્કૂલ જેવા અનેક આયોજનબદ્ધ કામગીરી થકી અપ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આગામી 5થી 6 વર્ષમાં 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે, અને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પાયા મજબૂત બનશે.
સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન
સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન અંતર્ગત SSA, GCERT, STTI, GSHSEB, GIFT, Text book Board સહિત શિક્ષણ વિભાગ તમામ સંસ્થાઓને જોડીને શિક્ષકોના સતત તાલીમ અને મજબૂતીકરણ કરવામાં આવશે, અને accountability સાથે ધોરણ પ્રમાણેની શૈજ્ઞણિક નિષ્પત્તિઓ( Grade Appropriate Learning Outcomes) સુનિશ્ચિત કરવામાં આવશે.
ઓનલાઇન મોનીટરીંગ થશે
આ સમગ્ર પ્રોજેક્ટનું ઓનલાઈન રિઅલ ટાઈમ મોનીટરિંગ ગાંધીનગરમાં Artificial Intelligence અને Machine Learning સહિત અદ્યતન ટેકનોલોજીયુક્ત Command and Control Centre for Schools ખાતેથી કરવામાં આવશે. આ માટે ખાસ સ્કૂલ એક્સલન્સ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ પહેલ છે.