- સૌની યોજનામાં સરકારને કરોડોનું નુક્સાન થશે
- માત્ર 6 મહિનામાં જ પુનઃ એસઓઆર થવાને કારણે થશે કોરોડોનું નુક્સાન
- સરકારના અંદાજ પ્રમાણે રૂપિયા 34,045 કરોડનો ખર્ચ થવાનો હતો
- નકશાનો અંદાજ સુધારવામાં આવતાં યોજનાના અંતે ખર્ચની રકમ રૂપિયા 50 હજાર કરોડને પાર પહોંચશે
ગાંધીનગર: રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાનીરથી ભરવા રૂપિયા 10,000 કરોડની સૌની યોજનાનું લોન્ચીંગ કર્યું હતું, ત્યારે તે પાંચ વર્ષમાં પૂરી થવાનો અંદાજ અપાયો હતો. જોકે, આજે 8 વર્ષ ઉપરનો સમય થયો હોવા છતાં પણ કામ પૂર્ણ થયા ન હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સૌની યોજનામાં 7000 કરોડનો ખર્ચ વધવા છતા કામ અપૂર્ણ, હજૂ પણ ખર્ચ વધે તેવી શક્યતા
7000 કરોડનો વધુ ખર્ચ
સૌની યોજનાના ત્રીજા તબક્કાના કામો હજુ બાકી છે. આ યોજનાનો ખર્ચ રૂપિયા 7 હજાર કરોડ વધીને આજે આ યોજના રૂપિયા 16,770 કરોડથી વધુ ખર્ચે પહોંચી ગઈ છે તેમ વિધાનસભાના એક પ્રશ્નના ઉત્તર અન્વયે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના પર તત્કાલીન મુખ્યપ્રધાને એટલો ભાર દીધો હતો કે, તેમણે તે વખતે જાહેરસભામાં કહ્યું હતું કે, અનેક યોજનાઓ આપી છે પણ સૌની યોજના હું જ પૂરી કરાવીશ અને કલ્પસર યોજનાનો આરંભ પણ જાતે કરાવીશ. જોકે, ખેડૂતો આજે પણ કલ્પસર યોજનાની અમલવારી માટે મુખ્યપ્રધાનને રજૂઆતો કરતા રહ્યા છે.
પ્રોજેકટ પૂર્ણ થયા ખર્ચ 50 હજાર કરોડ થશે
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે કે, સૌની યોજનામાં સરકારને કરોડોનું નુક્સાન થશે, માત્ર 6 મહિનામાં જ પુન: એસઓઆર થવાને કારણે કોરોડોનું નુક્સાન થાય તેવી શક્યતાઓ છે. આમ, સરકારના અંદાજ પ્રમાણે રૂપિયા 34,045 કરોડનો ખર્ચ થવાનો હતો, પરંતુ નકશાનો અંદાજ સુધારવામાં આવતા યોજનાના અંતે ખર્ચની રકમ રૂપિયા 50 હજાર કરોડને પાર પહોંચશે, આમ, પાણી પુરવઠા અને ગટર યોજનાના એસઓઆરમાં વધારો થતા સરકારને કરોડોનું નુક્સાન થશે.