ગાંધીનગરઃ થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને લઇ કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે. આવી પરિસ્થિતિ હજુ આગામી મહિનાઓ સુધી યથાવત રહે તેવી સંભાવનાને પગલે કલ્ચરલ ફોરમ બાદ હવે થનગનાટ ફાઉન્ડેશન પણ નવરાત્રીમાં ગરબા મહોત્સવનું આયોજન નહીં કરે.
થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ રોહિત નાયાણીએ ગુરૂવારે જાહેરાત કરતાં જણાવ્યું કે, થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં ગાંધીનગરના નાગરિકોની સલામતીએ આપણી ટોચની અગ્રતા છે. સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે આપણે જગતજનની જગદંબામાં અંબાજીને કોરોનાની મહામારી માથી સમગ્ર માનવજાતને મુક્ત કરે તેવી પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વિશ્વ જલ્દીથી કોરોના મુક્ત થાય તે માટે તમામ નાગરીકો કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરે અને કરાવે તેવી આશા તેઓએ વ્યક્ત કરી છે.