- વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગેરકાયદે દબાણ દૂર કર્યાં
- શ્રદ્ધાળુઓ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે રકઝક જોવા મળી
- નવાપુરા પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો
વડોદરાઃ નવાપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરનું હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આજે બુઘવારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આ વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેથી શ્રદ્ધાળુઓ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે 'તું-તું, મેં-મેં'ના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે પાલિકાની ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
પૂર્વ કાઉન્સલરે ધરણાં કર્યાં
પાલિકાની દબાણ શાખા મંદિરના આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણને દૂર આવી, ત્યારે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર ધરણાં પર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ બનાવ સંદર્ભે નવાપુરા પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
દબાણ દૂર કરવાની કાર્યવાહી મોકૂફ
ઘટના સ્થળે પૂર્વ વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ આવી પહોંચ્યા હતા. તેમણે આ મંદિર વર્ષો જુનું હોવાનું જણાવી પાલિકાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. જેથી પાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી મોકૂફ રાખી છે.