- બાળ રોગ મુદ્દે વિધાનસભામાં થઈ ચર્ચા
- ગુરુકુળ હોય કે મદ્રેસા, દર વર્ષે વિદ્યાર્થીઓની થાય છે શારીરિક તપાસ
- બીમાર/ખામીયુક્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાય છે અદ્યતન સારવાર
- 1 વર્ષમાં 22 બાળકોને વિનામૂલ્યે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઈ
ગાંધીનગર: શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, અમારી સરકાર બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની સંપૂર્ણ ચિંતા કરે છે. બાળક ગુરુકુળમાં અભ્યાસ કરતું હોય કે મદ્રેસામાં અભ્યાસ કરતું હોય, તમામ બાળકોને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. દર વર્ષે અંદાજે 1 કરોડ વિદ્યાર્થીઓની શારીરિક તપાસણી કરીને બીમાર કે ખામીયુક્ત જણાયેલા વિદ્યાર્થીઓની યાદી બનાવી, તે તમામને વિનામૂલ્યે સારામાં સારી અદ્યતન સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો: બાળકોના મૃત્યુ મામલે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું- 'બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે'
ગંભીર બીમારીનું નિદાન પણ મફત
જન્મથી બહેરા-મૂંગા બાળકો માટે કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, હૃદય-કિડની કે કેન્સર ઉપરાંત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ કે જેનો ખાનગી હોસ્પિટલમાં અંદાજે 20થી 25 લાખ સુધીનો ખર્ચ થઈ જાય છે, તેવી ખર્ચાળ સારવાર પણ વિનામૂલ્યે આપી બાળકોને સ્વસ્થ કરવામાં આવે છે. આ બાળકોની સારવારમાં પૂરી દવાઓ, યંત્રો, સાધન-સામગ્રી, લોહી ઈન્જેક્શનો સહિતની તમામ આનુષાંગિક ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપી જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય, ત્યાં સુધી અમારી સરકાર સતત ચિંતા કરી સારવાર આપે છે. તે ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. એક વર્ષમાં 22 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરી તેમનાં અમૂલ્ય જીવન બચાવવાનું ઉમદા કાર્ય સરકારે કર્યુ છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકીની જન્મજાત બોલવાની અને સાંભળવાની ખામી દુર કરાઈ
બરોડામાં 6,53,362 બાળકોની તપાસ
નીતિન પટેલે વડોદરા જિલ્લાની માહિતી આપતા ઉમેર્યું કે, વડોદરામાં છેલ્લાં બે વર્ષમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 6,53,362 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાં 203 બાળકોને હૃદયની, 6 બાળકોને કિડનીની અને 1 બાળકને કેન્સરની સારવાર આપવામાં આવી છે. તે ઉપરાંત, નવસારી જિલ્લામાં 2 વર્ષમાં 6,00,493 બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ છે, તે પૈકી 217 બાળકો હૃદયની બીમારીના, 23 બાળકો કિડની અને 9 બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હતાં. તેમની સારવાર કરવામાં આવી છે. આમ, સમગ્ર રાજ્યમાં આવી રીતે બાળકોની તપાસ સમયાંતરે કરવામાં આવે છે અને તેમના રોગોનું નિવારણ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.