ગાંધીનગર: સમગ્ર દેશમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી કોરોના વાઇરસના કારણે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, રાજ્યસભાની ચૂંટણી યોજાઈ શકે છે, પરંતુ રાજ્ય અને દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચૂંટણી રદ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પણ પોતાનો ટેકો આપે છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં અને ગુજરાતમાં આ વાઇરસના કારણે પરિસ્થિતિ ઊભી થઇ છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિધાનસભા રદ કરવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા રદ કરવાની રજૂઆત કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં અગાઉ કરી હતી, પરંતુ સકારે ગંભીરતા દાખવી નહોતી. વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા જે રીતે રાજ્યસભાની ચૂંટણી રદ કરવામાં આવી છે, તેમાં ભાજપ સરકાર સાથે કોંગ્રેસ પક્ષનો પણ સંપૂર્ણ ટેકો રહેશે. કોરોના વાઇરસ સામે લડવા માટે કોંગ્રેસ હંમેશા સરકારની સાથે જ છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, સરકારી તંત્રને કોઇ પણ પ્રકારની મદદ અને સહકારની જરૂરિયાત હશે, ત્યાં કોંગ્રેસ પક્ષ તેમની પડખે ઉભો રહેશે. આ કોઈ પક્ષનો મામલો નથી, પરંતુ દેશનો મામલો છે અને દેશહિતનું કામ હોવાના કારણે કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે.