- ફાર્મસી કોલેજોની યાદી જાહેર કરાઈ
- ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર જોઈ શકાશે યાદી
- વિદ્યાર્થીઓએ www.pci.nic.in વેબસાઈટ પર જોવું પડશે કોલેજનું નામ
- કોલેજની માન્યતા ચકાસીને પ્રવેશ લેવા ફાર્મસી કાઉન્સીલનો અનુરોધ
ગાંધીનગરઃ ફાર્મસી કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે સલાહ સૂચન જાહેર કર્યા છે. ગુજરાત રાજ્યમાંથી ગુજરાત તથા ગુજરાત બહાર ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા કે ડિગ્રીમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે છેતરામણી કે શોષણ ન થાય તે હેતુસર વિદ્યાર્થીઓએ કોલેજોની માન્યતા ચકાસી લેવા જણાવવામાં આવ્યું છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત કોલેજમાં જ પ્રવેશ મેળવવા અને તે સંબંધિત જરૂરી ચકાસણી કરી લેવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે જણાવ્યું છે. ફાર્મસી કાઉન્સિલે મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાય છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા આપવામાં ન આવેલી હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનારા અથવા તો મંજૂર કરેલી બેઠકો કરતા વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનારા અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરિટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા આપેલી ન હોય તો ઉપરોક્ત સંજાગોમાં ડીપ્લોમા અથવા ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન કાયદાનુસાર મળવાપાત્ર નથી. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત તથા અન્ય રાજ્યની માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવ્યું છે.