- ગાંધીનગરમાં મેયરના પતિએ કર્યું ગેરકાયદે બાંધકામ
- કોંગ્રેસના કોર્પોરેટર પિન્કી પટેલે કરી CMને ફરિયાદ
- 7 માળની બિલ્ડીંગની જગ્યાએ 12 માળનું બનાવ્યું બિલ્ડીંગ
- 5 માળ વધારાના ખેંચવામાં આવ્યા
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવે છે, પરંતુ ભાજપ સરકારના જ અંગત લોકોને જાહેરમાં છૂટછાટ આપી દેવાની એક ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ બની છે. જેમાં ગાંધીનગર શહેરના મેયર રીટા પટેલના પતિ કેતન પટેલે 7 માળની જગ્યાએ 12 માળની બિલ્ડીંગ બનાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર પિન્કી પટેલે કરી હતી. જે બાબતે પિંકી પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ લેખિતમાં ફરિયાદ આપી છે.
7 માળની પરવાનગી અને ચરતણ કર્યું 12 માળનું
કોંગ્રેસના કોર્પોરેટર પિન્કી પટેલે પોતાના લેટરપેડ ઉપર ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરના મેયર રીટા પટેલના પતિ કેતન પટેલને 7 માળ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તેમણે 12 માળ સુધીનું ચણતર કર્યું છે. એટલે કે, વધારાના 5 માળ મંજૂરી વિના જ બનાવી દેવામાં આવ્યા છે.
RTIમાં પણ કોઈ જવાબ મળ્યો નહીં
પિન્કી પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બિલ્ડીંગની તમામ વિગતો મેળવવા માટે RTI પણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા RTIનો જવાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરને પણ 5 માળ ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી. આમ છતાં પણ કમિશ્નર દ્વારા કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી તેમણે CMને ફરિયાદ કરવાની ફરજ પડી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર પિન્કી પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ તથા ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યાને મેયરના ગેરકાયદે 5 માળ બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે.