ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા પશુ દીઠ 25 રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી હતી. તેમજ કોરોનાના કપરા સમય દરમિયાન વધુ બે મહિનાની રાજ્ય સરકારે સહાય જાહેર કરી હતી, જો કે, ગૌશાળાના સંચાલકોની માગ હતી કે ડિસેમ્બર સુધી રાજ્ય સરકાર સહાય આપે પરંતુ સરકારે માગ ન સ્વીકારતાં તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત બાદ ગૌ સંચાલકોએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
આંદોલન મોફૂફ બાબતે ગૌશાળા આંદોલનના મુખ્ય આગેવાન ભરત કોઠારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે અમે ડિસેમ્બર સુધી આર્થિક સહાયની માગ કરી હતી, પરંતુ રાજ્ય સરકારે અમારી માગ સ્વીકારી ન હતી, જેથી મંગળવારના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે બેઠક કરવામાં આવી હતી.
આ દરમિયાન નીતિન પટેલ સાથે આંદોલન બાબતે પણ ચર્ચા કરી હતી. અત્યારે આ કોરોનાના કપરા સમય દરમિયાન રાજ્ય સરકાર ખૂબ વ્યસ્ત હોવાના કારણે તેઓએ હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. ત્યારે સરકાર વ્યસ્ત છે, જેથી આંદોલન પણ હવે મોકૂફ રાખવાનો નિર્ણય ગૌશાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં રાજ્ય સરકાર આર્થિક સહાય બાબતે વિચારણા કરશે તેમ પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
દિયોદર ગૌ શાળાના સંચાલક મુકુંદરાય મહારાજે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે મંગળવારે બેઠક યોજવામાં આવી હતી. સંચાલકો પાસે આર્થિક મદદ ન મળતી હોવાને કારણે જ તેઓ સરકાર પાસે મદદ માંગતા હોય છે, ત્યારે આજની બેઠકમાં રાજ્ય સરકાર આગામી સમયમાં ગૌશાળા માટે આર્થિક સહાય બાબતે વિચારણા કરશે તેવી બાંહેધરી આપતા હવે આંદોલન સમેટવામાં આવ્યું છે. આમ રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની મધ્યસ્થી દ્વારા મળેલી ગૌ શાળા સંચાલક અને રાજ્ય સરકારની બેઠકમાં આંદોલન મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.