ગાંધીનગર: તહેવારોના સમયમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળો અને નવરાત્રી દરમિયાન પ્રસાદ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે પોતાના જ ન્યાય પર વિચારણા કર્યા બાદ હવે ધાર્મિક સ્થળોમાં આપવામાં આવતો પ્રસાદ બંધ બોક્સમાં આપવા અંગે જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે રાજ્યમાં ધાર્મિક સ્થળો પર અને નવરાત્રી દરમિયાન આપવામાં આવતા પ્રસાદ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બાબતે કેબિનેટ બેઠક બાદ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રસાદ આપવાની જે જાહેરાત કરી હતી, તે બાબતે આજે વિચારણા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. વિચારણાના અંતે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થળોમાં કે જગ્યાએ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તે તમામ જગ્યાએ બંધ બોક્સમાં ફરજિયાત પ્રસાદ આપવાનો છે. કોઈ પણ ખુલ્લી જગ્યાએ અથવા તો ખુલ્લો પ્રસાદ આપી શકશે નહીં. આમ બંધ બોક્સમાં જ પ્રસાદ આપવાનો સરકારે જાહેરાત કરી છે.
જ્યારે નવરાત્રી દરમિયાન પાવાગઢનું મહાકાળી મંદિર અને કચ્છ માતાનો મઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મંદિર બંધ કરાવવા પાછળ રાજ્ય સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય કર્યો નથી પણ અનલોક એક શરૂ થયું છે ત્યારથી રાજ્ય સરકારે કોઈપણ મંદિર બંધ કરાવ્યું નથી. પરંતુ જે મંદિર બંધ કરવામાં આવ્યા છે તે તમામ મંદિર બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે જો કોઈ મંદિરમાં વધારે ભીડ એકત્રિત થાય તો મંદિર પ્રશાસનને એલીડી મૂકીને ભક્તોને દર્શન કરાવવા માટેની સુવિધા આપવા અંગે પણ સરકારે મંદિરોને સૂચના આપી છે.