- ગાંધીનગર જિલ્લા તાલુકા ટિકિટ વહેંચણી મામલો
- કોંગ્રેસના સભ્યે જિલ્લા પ્રમુખ પર લગાવ્યો આક્ષેપ
- 7 લાખમાં ટિકિટનો થયો સોદો
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટ વહેંચણી બાબતે તમામ રાજકીય પક્ષોના કાર્યકરોમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં ટિકિટની વહેંચણીમાં લાખો રૂપિયાનો સોદો થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર એક ટિકિટ વેચવામાં 7 લાખ રૂપિયાનો આક્ષેપ કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે.
7 લાખમાં ટિકિટનો સોદો ?
કોંગ્રેસના સભ્ય કનુ પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગર જિલ્લા પંચાયતની 1 બેઠક 7 લાખ રૂપિયામાં આપવામાં આવી છે. જે બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ગુજરાત કોંગ્રેસના સભ્યોને 6 ટિકિટ આપવામાં આવી, પરંતુ સાતમી ટિકિટ માટે સાત લાખ રૂપિયા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખે લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
આક્ષેપ ખોટો, ટિકિટ નથી મળી એટલે બળાપો: જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી
આ સમગ્ર ઘટના અંગે ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી સાથે ETV BHARATના સંવાદદાતા દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયોમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. કનુભાઈ પટેલ કોંગ્રેસના કાર્યકર્તા છે તે આગેવાન છે, જ્યારે તેમની ટિકિટનો નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યો છે. આ વખતે તેમને ટિકિટ ન મળતાં તેમણે બળાપો કાઢયો છે, પરંતુ તે ટૂંક સમયમાં પોતાની કામગીરીને સંભાળી લેશે અને ચૂંટણી પ્રચારમાં પણ જોડાઈ જશે.