- નાયબ મુખ્યપ્રધાન અને અધ્યક્ષ મંગળવારે મુલાકાત લેશે
- વિધાનસભામાં નવા કવાર્ટર્સ બનવાની જાહેરાત થઈ હતી
- આ જર્જરિત મકાનોમાં રહેતા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી
ગાંધીનગર : સેક્ટર 17 ખાતે જૂના MLA ક્વોટર્સ આવેલા છે. વર્ષો જુના આ ક્વોટર્સ હાલમાં જર્જરિત હાલતમાં છે. થોડા સમય અગાઉ વિધાનસભાના સત્ર દરમિયાન નવા MLA ક્વોટર્સ બનાવવાની જાહેરાત કરાઈ હતી. જ્યારબાદ આ જર્જરિત મકાનોમાં રહેતા કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી છે અને નવા MLA ક્વોટર્સ બનવાના શરૂ થાય તેે પહેલા નાયબ મુખ્યપ્રધાન તેમજ વિધાનસભાના અધ્યક્ષ મંગળવારે આ મકાનોની મુલાકાત લેશે.
5 માળના અદ્યતન સુવિધા સાથેના આવાસો બનાવવામાં આવશે
જુના MLA ક્વોટર્સમાં કુલ 168 મકાનો આવેલા છે. MLA ક્વોટર્સ હોવા છતા ત્યાં એક પણ ધારાસભ્ય રહેતા નથી. ઘણી વખત આ આવાસો નાના પડતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે સરકારના બજેટમાંથી ધારાસભ્યો માટે તે જ જગ્યાએ 5 માળના અદ્યતન સુવિધા સાથેના આવાસો બનાવવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત મંગળવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ અહીંની મુલાકાત લેશે. ચોંકાવનારી બાબત એ છે કે, ધારાસભ્યો પાસેથી આ આવાસ માટે માત્ર 37 રૂપિયા ભાડું વસૂલાતું હતું. જે અન્ય સરકારી કર્મચારીઓના ક્વોટર્સ માટેના ભાડા કરતા અનેક ગણું ઓછું છે.
આ પહેલા એરફોર્સના કર્મચારીઓ રહેતા હતા
સેકટર 17 ખાતે અત્યારે જુના મકાનો જર્જરિત હાલતમાં છે. જોકે, અગાઉ આ મકાનોમાં એરફોર્સના કર્મચારીઓ રહેતા હતા. જેમને લેકાવાડા ખાતે આવાસ ફાળવવામાં આવતા તેઓ ત્યાં શિફ્ટ થયા છે. જોકે, જૂજ સંખ્યામાં હજુ પણ કેટલાક કર્મચારીઓ રહેતા હોવાથી સરકાર દ્વારા જાહેર નોટીસ આપીને આ મકાનો ખાલી કરવા આદેશ અપાયો છે. બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે કે, આ મકાનો ભયજનક અને જર્જરિત હોવાથી રહેવાલાયક નથી.