- જમીન નીચેથી ONGC ની પાઈપલાઈન હતી એટલે બ્લાસ્ટ થયો
- ONGC ના અધિકારીઓ અને જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો
- નમૂના લેતા પરીક્ષણમાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલની હોવાનું સામે આવ્યું
- પોલીસ તપાસ અને FSL ના રિપોર્ટમાં સામે આવ્યું
ગાંધીનગર: ડિસેમ્બર 2020 માં કલોલના સઈજ ગામે ગાર્ડન સિટી સોસાયટીના મકાન નંબર 158, 159માં સવારે 7:30 વાગે બ્લાસ્ટ થયો હતો. આ ભેદી બ્લાસ્ટમાં અમિત દવે, તેમના પત્ની પિનલ દવે અને હંસા દવેના મૃત્યુ નિપજ્યા હતા. તેમજ આજુબાજુના મકાનોમાં લોકોને ઈજાઓ થઈ હતી. જમીન નીચેથી ONGC ની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવા છતાં પણ રહેણાક મકાન બનાવવામાં આવ્યા હતા. જેથી આ મોટી હોનારત બની હતી અને ત્રણ લોકોના જીવ ગયા હતા. તપાસ દરમિયાન ONGC ની ઓઇલ પાઇપલાઇન મળી આવી હતી અને ત્યાં ઓઇલનો જથ્થો પણ મળ્યો હતો. જેના નમૂનાનું પરીક્ષણ FSL દ્વારા કરતા પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલની હાજરી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ તપાસમાં ONGC ની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવાનું સાબિત થયું છે.
DDO કચેરી દ્વારા બિન ખેતી હુકમ કરાતા બિલ્ડરે બાંધકામ કર્યું
સઇજ ગામ ખાતે ગાર્ડન સિટી ઉભી કરવા માટે બિલ્ડર દ્વારા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને અરજી અપાઇ હતી. જેમાં વિવિધ વિભાગોએ NOC સર્વે નંબર 74/1 વાળી જમીન માટે આપી હતી. AUDA દ્વારા પણ વિકાસ પરવાનગી અપાઇ હતી. જે બાદ અહીં જુદા જુદા પ્લોટ પાડવામાં આવ્યા હતા અને તેના પર ગાર્ડન સિટી વસાહત ઉભી કરાઈ હતી. જેમાં 158, 159 મકાનમાં બ્લાસ્ટ થયો હતો. જમીનની ખોદણી કરતા 20 ફૂટ નીચે ONGC ની પાઈપલાઈનમાં પસાર થતી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઓઇલ મળી આવતા FSL ને મોકલવામાં આવ્યું હતું. જે બાદ આ બ્લાસ્ટનો ભેદ ઉકેલાયો હતો.
નીચે પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવા છતાં NOC અપાઈ
જમીન નીચે ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવા છતાં તે જગ્યાએ માનવ વસાહત બનાવવામાં આવે તો જોખમકારક હોવાનું તેમજ વિસ્ફોટ થઇ શકે તેવી જાણકારી હોવા છતાં પણ ખોટી NOC આપવામાં આવી અને 3 લોકો તેનો ભોગ બન્યા. તેમજ એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ખોટી NOC આપી પૂર્વ આયોજિત કાવતરું પાર પાડી પરસ્પર મદદગાર કરી ગુનો કર્યાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ONGC ના આ બે તત્કાલીન અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
DySP વી.એન. સોલંકીએ કહ્યું કે, આ ઘટનાનો ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે. ફરિયાદી તરીકે પોલીસ છે. આરોપીમાં તત્કાલીન ઓએનજીસી ના LAQ અધિકારી દીપકભાઈ જગેન્દ્રનારાયણ નારોલીયા, અને ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ, જમીન એન.એ કરાવનાર અને વિવિધ વિભાગોમાંથી આપેલ ONGC ની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનાર, પ્લોટ પર બાંધકામ કરનાર તેમજ ઘટના માટે ગેરરીતિ આચરનાર પ્રત્યક્ષ અને પરોક્ષ જવાબદાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને તપાસ LCB 2 ને સોંપવામાં આવી છે.