3 નવેમ્બરે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સિવિલના કેમ્પસમાં મંદિર બનાવાયું હતું.
સિવિલ કેમ્પસમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો પરવાનગી મેળવવી જરૂરી છે. જેથી સિવિલના એક અધિકારી પાસે મંદિર બનાવવાની પરવાનગી મંગાઈ હતી. અધિકારીએ તેમને મંદિર બનાવવાની પરવાનગી પણ આપી હતી. પરંતુ 20 દિવસ બાદ સિવિલના સત્તાધીશોની નજર મંદિર ઉપર પડતા તે જરૂર કરતાં વધારે જગ્યાએ બનાવાયું હતું. જેથી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ મંદિરનું બાંધકામ તોડી પાડવા 24 કલાકનો સમય આપ્યો હતો. ત્યારબાદ ગુરૂવારે મંદિરને તોડી નંખાયુ હતું.
મંદિર બનાવવાની પરવાનગી આપનાર અધિકારીએ આ મામલામાંથી બચવા માટે હાથ અધ્ધર કરી લીધા હતાં. એક મહિના પહેલા જ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો, મંદિર બનાવનાર શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી ન હોત આ દોઢ લાખ રૂપિયાનો વ્યય થયો ન હોત.