- રાજ્યમાં શિક્ષક આંદોલન સફળ
- શિક્ષક સંઘ અને સરકાર વચ્ચે બેઠક સફળ
- 4200નો ગ્રેડ પે રદ, નવો પરિપત્ર જાહેર થશે
ગાંધીનગર: રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષક સંઘની અગાઉ પણ અનેક વખત બેઠક મળી હતી. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને 42મા પરિપત્રને સ્થગિત કરતો નિર્ણય કર્યો હતો. નવો પરિપત્ર ટૂંક સમયમાં જાહેર થશે તેવી પણ જાહેરાત કરી હતી. ત્યારે નવો પરિપત્ર જાહેર નહીં થઈ શકતા શિક્ષકોએ ફરીથી આંદોલન કર્યું હતું. આજે રાજ્યના તમામ જિલ્લાના શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આવીને નવી ગાઇડલાઇન સાથે વિરોધ પ્રદર્શન કરે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ આજે ફરીથી સરકારે બેઠક કરી હતી જેમાં પરિપત્રને રદ કરવાની જાહેરાત કરી છે અને 8 દિવસની અંદર બીજો નવો પરિપત્ર જાહેર કરવાની પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષક આગેવાનોની હાજરીમાં કરી હતી.
અગાઉ પણ સરકારે પરિપત્ર સ્થગિત કર્યો હતો હવે રદ કર્યો
આ સાથે રાજ્યના શિક્ષણ પ્રધાનની હાજરીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, હવે શિક્ષકોને પ્રમોશન મેળવવા માટે પરીક્ષા આપવી નહીં પડે. તેઓ પરિપત્રના આધારે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની નોકરી સમયમર્યાદામાં પ્રમોશન અને ગ્રેડ પે મળવાને પાત્ર રહેશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, નાણા વિભાગના કર્મચારીઓ અને સામાન્ય વહીવટી વિભાગના કર્મચારીઓને સાથે રાખીને બેઠક યોજવામાં આવી હતી. જે હવે નવેસરથી 8 દિવસની અંદર શિક્ષણ વિભાગ પરિપત્ર જાહેર કરશે.
કોરોનાને કારણે મોડું થયું
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, અગાઉ પણ શિક્ષકો સાથે બેઠક કરવામાં આવી હતી અને નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીમાં ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર રોકાયેલું હતું. જેના કારણે શિક્ષકોના પ્રશ્નોનું સમયસર સમાધાન થઇ શકયું ન હતું.