ગાંધીનગર : હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઉચ્ચ મંત્રણા બાદ રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા જેટલી ફી માફીની જાહેરાત કરી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ફી સિવાયની તમામ ફી સો ટકા માફ કરી છે ત્યારે હવે રાજ્યમાં અમુક શાળાઓના સંચાલકો સરકારના આદેશનો અનાદર કરી રહ્યાં છે. 25 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો પહેલા ચોક્કસ તારીખ નક્કી કરો નહીં તો સો ટકા ફી ભરવી પડશે તેવી ધમકીઓ શાળા સંચાલકો દ્વારા આપવામાં આવી છે.
આ ઘટનાને લઈને પણ વાલીમંડળ દ્વારા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ફક્ત 25 ટકા ફીની માફીની જાહેરાત કરી છે. પરંતુ આ ફી ક્યારે ભરવી તે અંગેની જાહેરાત કરી નથી જેથી સંચાલકો પોતાની મનમાની કરી રહ્યાં છે. આવા સંચાલકોને પણ રાજ્ય સરકારના પાઠ ભણાવતાં નરેશ શાહે જણાવ્યું હતું કે, વાલી ગમે ત્યારે ફી ભરી શકે છે, સરકારે ફી ભરવા માટેની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી.