- રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં રજૂ કર્યું બિલ
- વિરોધપક્ષ દ્વારા બિલમાં 'લવ જેહાદ' શબ્દનો પ્રયોગ ન કરાયો હોવાથી હોબાળો
- વિપક્ષના આક્ષેપ, ગુજરાતને લવ જેહાદ મામલે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુરૂવારના રોજ લવ જેહાદ અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે રજૂ કરતા પહેલા ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ખોટા નામ અને ઓળખ ધારણ કરીને હિન્દુ સમાજની દિકરીઓ સાથે લગ્ન કરનારા જેહાદી તત્વોની શાણ ઠેકાણે લાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. મારા જીવનમાં સૌથી મહત્વનું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવાની તક મળી તે માટે હું ખૂબ આભારી છું.
આ પણ વાંચો: VHP નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે "બોલીવુડના કારણે લવ જેહાદ વધ્યો"
હિન્દુ સમાજ માટે દિકરીઓ કાળજાના કટકા સમાન છે
ગૃહમાં બિલ રજૂ કરતા અગાઉ ગૃહ પ્રધાને કહ્યું હતું કે, "કેટલાક સંકુચિત માનસિકતા ધરાવતા કેટલાક જેહાદી તત્વો હિન્દુ યુવતીઓને ખોટી ઓળખાણ આપીને ફોસલાવે છે અને તેમની સાથે લગ્ન કરીને ધર્માંતરણ કરાવે છે. હિન્દુઓ માટે દિકરી પારકી થાપણ કહેવાય છે. દિકરીઓને આવા કસાઈઓના હાથે ન જવા દેવાય. યુવતીઓનું ધર્માંતરણ કરાવીને જીવન નર્ક બનાવનારા જેહાદી તત્વો સામે કાર્યવાહી કરવા માટે સરકાર આ વિધેયક લઈને આવી છે."
આ પણ વાંચો: લવ જેહાદ કેસમાં નડિયાદ પોલીસ દ્વારા બેની અટકાયત, વકીલ પણ સામેલ
આલિયા, માલિયા અને જમાલિયાઓ દિકરીઓનું શોષણ કરે છે
ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે, "છેલ્લા કેટલાક સમયથી, અમુક ધાર્મિક તત્વો દ્વારા લાલચ આપી, લગ્ન માટે ફોસલાવીને ધર્માંતરણ કરાવ્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. બળજબરીથી કરાવવામાં આવેલા ધર્માંતરણને અપરાધિક કૃત્ય કહેવાય. મુસ્લિમ યુવાન નામ બદલીને પોતે હિન્દુ હોવાનું પ્રસ્થાપિત કરે છે, હાથમાં નાળાછડી બાંધે છે અને યુવતીને તેમના પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરી લે છે અને ત્યારબાદ આ મુસ્લિમ યુવાન પોતાનો અસલી ચહેરો બાતાવીને યુવતીની સાથે વિશ્વાસઘાત કરીને દિકરીઓની જિંદગી નરક જેવી બનાવી દે છે. જેના કારણે જ સરકારને આ કડક કાયદો લાવાની જરૂર પડી રહી છે."
આ પણ વાંચો: રાજકોટમાં લવ જેહાદની ઘટના આવી સામે, યુવતીએ કરી આત્મહત્યા
લવ જેહાદના કેટલાક કિસ્સાઓ કર્યા રજૂ
ગૃહપ્રધાને રાજ્યમાં બનેલા લવ જેહાદના કેટલાક કિસ્સાઓ ટાંકીને જણાવ્યું હતું કે, "વટવા વિધાનસભા મતક્ષેત્રની એક દિકરીને વિધર્મી યુવક લગ્નની લાલચે બેંગ્લોર લઈ ગયો હતો, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને દિકરીને બચાવી લીધી હતી. જુહાપુરાના રમઝાન ઇકબાલ ઘાંચી નામનાં શખ્સે પીન્ટુ ઠાકોર નામ ધારણ કરીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને માઉન્ટ આબુ સહિત અનેક સ્થળોએ લઈ જઈને અંગત પળોના વીડિયો વાયરલ કર્યા હતા. જ્યારબાદ મહિલાને બ્લેકમેલ પણ કરી હતી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આ સિવાય પણ રાજ્યમાં આ પ્રકારના સેંકડો કિસ્સાઓ હશે, જે પ્રકાશમાં નથી આવ્યા."
આ પણ વાંચો: ડીસામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, આરોપી મુસરફઅહમદની અટકાયત
પરેશ ધાનાણીએ કહ્યું, બિલમાં 'લવ જેહાદ' શબ્દનો પ્રયોગ નથી
ચર્ચાસ્પદ બિલને લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે પ્રકારે સરકાર આ બિલમાં લવ જેહાદ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તે પ્રકારે તેમણે બિલમાં કોઈ જગ્યાએ 'લવ જેહાદ' શબ્દનો પ્રયોગ નથી કર્યો. સરકાર ગુજરાતને લવ જેહાદ મામલે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. 2003માં પણ વિધાનસભામાં ધર્મ સ્વતંત્રતા વિધેયક લાવ્યા હતા. 20 વર્ષ બાદ ફરીથી આ વિધેયક લાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હાલોલ ખાતે લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો
લવ જેહાદ મામલે ચૂંટણીની તૈયારીઓ શરૂ
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, "સરકાર જાણે આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વિધાનસભાથી જ કરી રહી હોય, તેમ લાગી રહ્યું છે. IPCની કલમો સમગ્ર દેશમાં લાગુ પડે છે. ખોટા ઈરાદાથી કરાયેલા લગ્ન તેમજ બિલમાં મુકાયેલા મુદ્દાઓને લઈને IPCમાં કડકથી કડક સજા તેમજ દંડની જોગવાઈ છે, તો આ બિલની જરૂર શા માટે પડી?"