રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયાની વાત રાજ્ય સરકારે કબૂલી હતી. ખેડૂતોને સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સર્વેની કામગીરી હાથ ધરવામાં હતી. ત્યારબાદ ખેડૂતોને થયેલાં નુકસાનમાં રૂપિયા 700 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાં હવે વધારો કરાયો છે અને હવે ખેડૂતોને 3795 કરોડની સહાય આપવામાં આવશે.
વધુ નુકસાની સહાય અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અનેક જિલ્લામાં 2થી 5 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. એટલે રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. જેને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ બજેટમાં વધારો કરવાની માગ કરી હતી. જેના પગલે રાજ્ય સરકારને નુકસાની વળતરમાં વધારો કરવાની ફરજ પડી હતી. સરકારે હાલ 3795 કરોડનું સહાય પૅકેજ જાહેર કર્યુ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોની જમીનનો સર્વે SDRFના નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ 2100 કરોડની આસપાસની રકમ કેન્દ્ર સરકાર ચૂકવશે, જ્યારે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી 1641 કરોડની ચૂકવણી કરશે. રાહતની ચુકવણી SDRFના નિયમ મુજબ પિયત જમીનમાં પ્રતિ હેકટરે 13,500, બિન-પિયત જમીનમાં 6800 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે.
આમ, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પૅકેજમાં રાજ્યના 18000 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો ફાયદો રાજ્યના 21 લાખથી વધુ ખેડૂતોને મળશે. નુકસાનની સહાય મેળવવા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત પણ કરશે. ઉપરાંત ખેડૂતોને સીધી સહાય મળે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેથી ખેડૂતોને મળવા પાત્ર સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.