રાજ્યમાં એક ઇંચથી વધુ વરસાદ પડેલા 29 જિલ્લાના 125 તાલુકાના અંદાજીત 9416 ગામના અંદાજિત 28.61 લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂપિયા 6800 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂપિયા 2481 કરોડની સહાય અપાશે.
- રાજ્યના 23 જિલ્લાના અંદાજે 42 તાલુકા એવા છે, જ્યાં તાલુકા મથકે ઓછો વરસાદ નોધાયો છે, પરંતુ કૃષિ વિભાગના ક્લસ્ટરમાં મુકાયેલ ઓટોમેટીક વેધર સ્ટેશનના આંકડા મુજબ એક ઇંચથી વધુ વરસાદ નોધાયો છે. આ તાલુકાઓના અંદાજીત 1463 ગામના અંદાજિત 4.70 લાખ ખેડૂત ખાતેદારોને એસ.ડી.આર.એફ.ના ધોરણ મુજબ હેક્ટર દીઠ રૂપિયા 6800 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજીત રૂપિયા 392 કરોડની સહાય ચૂકવવામાં આવશે. આ તાલુકાના બાકી રહેતા અંદાજિત 1676 ગામ કે, જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તેવા અંદાજિત 5.95 લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂપિયા 4000 લેખે 238 કરોડની સહાય અપાશે.
- રાજ્યના 21 જિલ્લાના બાકી રહેતા 81 તાલુકાના 5814 ગામમાં પણ છુટા છવાયા કમોસમી વરસાદથી નુકસાન થયું છે. રાજ્ય સરકારે ઉદારનીતિ અપનાવી આ 81 તાલુકાના અંદાજિત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ 4000 લેખે 684 કરોડની સહાય અપાશે.
- રાજયના કુલ 33 જિલ્લાના 248 તાલુકાના અંદાજિત 18,369 ગામના અંદાજિત 56.36 લાખ ખેડૂત ખાતેદારોનું 3795 કરોડનું માતબર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 15 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયુ હતું. જે અંગે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/ તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અરજી કરવાની રહેશે
અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 1-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બૂકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું 'ના વાંધા' અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.