ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19થી બચવા માટે અલગ અલગ સેકટર માટે અલગ ગાઈડલાઈન બહાર પાડી છે અને તે તમામ ગાઈડલાઇન્સનું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના અભ્યાસ માટે 15 ઓગસ્ટ બાદ શાળાઓ શરૂ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાતની રૂપાણી સરકાર પણ 15 ઓગસ્ટ બાદ જ શાળાઓ શરૂ તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે 8 જૂનથી તમામ પ્રાથમિક શાળાઓ અને શિક્ષણની કચેરીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે અત્યારે ફક્ત શિક્ષકોને જ શાળામાં આવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં શાળાઓ 15 ઓગસ્ટ બાદ શરૂ થશે, પ્રવેશોત્સવ રદ થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ પણ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે, આ વર્ષે કોવિડ-19ની ભયંકર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવા સત્રની તૈયારીઓ હજુ સુધી કરવામાં આવી નથી. સાથે જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ હજુ બાળકોને એડમિશન આપવામાં નથી આવ્યાં. એટલે જેટલી સંખ્યા થવી જોઈએ તેટલી સંખ્યા પણ થઈ નથી. સાથે જ કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરે તેવું પણ રાજ્ય સરકારના ઉચ્ચ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્યમાં શાળાઓ 15 ઓગસ્ટ બાદ શરૂ થશે, પ્રવેશોત્સવ રદ થશે હવે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે ઓનલાઇન શિક્ષણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પણ હજુ રાજ્યમાં રૂટ લેવલ સુધી ઓનલાઇન શિક્ષણની સમજણ ન હોવાને કારણે અનેક તકલીફનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
જ્યારે કોરોના કોવિડ 19 વાઇરસ નાના બાળકોમાં વધારે અસર કરતો હોવાને કારણે રાજ્ય સરકાર પણ કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી. જેથી હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ગુજરાતમાં પણ 15 ઓગસ્ટ બાદ જ શાળાઓ શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ