ન્યૂઝ ડેસ્કઃ આજે રાજ્યમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રજા સીધી મતદાન કરી શકતી નથીસ એવી આ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. કારણ કે, મતદાન અગાઉ કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પર દાવ લગાવ્યો છે, જ્યારે ભાજપે અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને પાટીદાર નેતા નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે.
મહત્વપૂર્ણ છે કે, આ 4 બેઠકમાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી અને ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુની ગોહિલ નિવૃત્ત થવાના છે.
આજે સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે, જેની મતગણતરી સાંજે 5 વાગ્યે થવાની છે. કોરોના કહેર વચ્ચે થનારી ચૂંટણીમાં સમગ્ર પરિસર સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશેષ થર્મલ સ્કેનર પણ મૂકવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આજે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 64, ભાજપના 103 (દ્વારકા બેઠકના ધારાસભ્ય પબુ ભા માણેક મતદાન કરી શકશે નહીં), NCP 1 અને BTPના 2 ધારાસભ્યો મત આપવાના છે. આ અગાઉ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે ધારાસભ્યોનું ટેમ્પરેચર 100 કરતાં વધુ હશે, તે ધારાસભ્યો PPE કીટ પહેરીને મતદાન કરશે.
પરિણામ સાંજે 6 વાગ્યા પછી આવવાની શક્યતા છે.