રાષ્ટ્રપતિ ગોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે કોવિંદે પૂજ્ય કૈલાસ સાગર સુરી જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.
રાષ્ટ્રપતિ કોવિંદે જૈન આરાધના કેન્દ્ર સ્થિત આચાર્ય કૈલાસસાગર સુરીજી જ્ઞાનમંદિરની મુલાકાત દરમિયાન જ્ઞાનમંદિરની સ્થાપના, ભારતની વિવિધ ભાષા-લિપિઓમાં ઉપલબ્ધ અંદાજે બે લાખ હસ્તલિખિત જૈન ગ્રંથો, વિવિધ મેગેઝીન, ભારતની અમૂલ્ય ધરોહર સમાન અતિ પ્રાચીન અને 1000 વર્ષ જૂની દુર્લભ પાંડુલિપિઓનો અમૂલ્ય સાહિત્યિક ખજાનો રસપૂર્વક નિહાળીને તેના અંગે વિગતો મેળવીને ખૂબ જ અભિભૂત થયા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાથેના તેમના 25 વર્ષ જૂના સંબંધોના સ્મરણો તાજા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ વર્ષ 1994માં રાજ્યસભાના સભ્ય હતા. ત્યારે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મ સાગર સૂરીશ્વરજી સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારથી તે સતત આચાર્ય સાથે રૂબરૂ અથવા પત્રવ્યવહારના માધ્યમથી સંપર્કમાં છે.

કોવિંદ ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન થયા બાદ રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરીશ્વરજીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે પ્રથમવાર મહેસાણાની મુલાકાતે પણ આવ્યા હતા. જે કોવિંદનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો.