- મેડિકલ ટીચર્સ ક્ષેત્ર મામલે સરકારે મૌન તોડયું
- માંગણીઓ મામલે સરકાર હકારાત્મક વિચારી રહી છે
- તબીબી સેવામાં માટે 1.5 કરોડની ગ્રાન્ટ વાપરી શકાશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય મેડિકલ ટીચર્સ એસોસિએશન અને GMERSના તબીબો દ્વારા હડતાલ પાડવાના મુદ્દે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે બેઠક કરીને પડતર માગો અંગે રજૂઆત કરી હતી. જેને લઈને સરકારે આરોગ્ય વિભાગની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી અને તેમની પડતર માગો સાંભળી હતી. જ્યારબાદ મુખ્યપ્રધાનને સમગ્ર મામલે ધ્યાન દોર્યું હતું. કેટલાક પ્રશ્નો મુખ્યપ્રધાને પૂર્ણ કરવાની વાત કરી હતી.
હડતાલ પર ન ઉતરે, સરકાર હકારાત્મક વિચારણા પર છે
પ્રદીપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જુદા જુદા પ્રશ્નો પર નિર્ણય લેવા માટે કમિટીએ સરકારમાં રિપોર્ટ સબમીટ કર્યો છે. હું ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનનાં આગેવાનને વિનંતી કરું છું કે, તેઓ હડતાલ પર ન ઉતરે, સરકાર હકારાત્મક વિચારણા પર છે. ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરશે. રિપોર્ટ સબમિટ કરતા સમય લાગ્યો છે, પરંતુ બધું પોઝિટિવ ટ્રેક પર છે. પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે, GMERSના ડોકટર અને નર્સો પોતાના પ્રશ્નો મામલે જયંતિ રવિ સાથે ચર્ચા કરી છે. જેના આધારે આરોગ્ય વિભાગ સરકારને રિપોર્ટ સોંપશે અને સરકાર આ મામલે ચર્ચા કર્યા પછી નિર્ણય જાહેર કરશે.
મુખ્યપ્રધાને પોતાની ગ્રાન્ટ હોસ્પિટલમાં તબીબી સેવામાં વધારો કરવા માટે આપી
હાલ કોરોનાની કામગીરી અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે 1150 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા સરકારે ઉભી કરી છે. કોરોના સંક્રમણ વધે તો તેની આગોતરી વ્યવસ્થા રૂપે તમામ ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં રહેલી હોસ્પિટલમાં તબીબો સેવામાં વધારો કરી શકે માટે 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. મુખ્યમંત્રીએ પોતાની ગ્રાન્ટ આપી છે. આગામી કોરોનાની ત્રીજી લહેરમાં જો પરિસ્થિતિ વકરે તો પણ પહોંચી વળાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર સિવિલ મામલે રિપોર્ટ મંગાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે
ગાંધીનગર સિવિલમાં પૈસાથી બેડ વેચાય છે તે સાચું છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ગાંધીનગર સિવિલની ઘટના મામલે હું આરોગ્ય વિભાગને તપાસ કરીને સખત પગલાં લેશે અને આરોગ્ય વિભાગને જરૂર પડશે તો ગૃહ વિભાગ અને પોલીસની મદદ જોઈતી હશે તો તેની સામે સખત પગલાં લેવામાં આવશે.