ગાંધીનગરઃ દહેગામ તાલુકાના સલકી ગામ પાસેથી એક સપ્તાહ પહેલા એક ખેપિયા પાસેથી દારૂ અને બીયરના ટીન પકડાયા હતા. જેનો દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દારૂ ક્યાંથી આવ્યો તેનું પગેરું શોધવા સાબરકાંઠા તરફ ગઇ હતી. ત્યાં કાર્યવાહી કરવાને બદલે 50 હજારનો તોડ કરી આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે દારૂનું કટિંગ થતું હોય છે. જ્યારે વેચાણ પણ પોલીસના છૂપા આશીર્વાદથી ભરપૂર માત્રામાં થાય છે એવું કહેવામાં આવે છે. દારૂના કેસમાં તોડ કરવાના ટાર્ગેટ સાથે જ આગળ ચાલતા હોય છે, ત્યારે એક સપ્તાહ પહેલા દહેગામ પાસે આવેલા સલકી ગામેથી દારૂનું વેચાણ કરતો એક ખેપિયો પકડાયો હતો. પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
ખેપિયા પાસેથી મળેલી માહિતીના આધારે દહેગામ પોલીસનો એક કર્મચારી સાબરકાંઠા તરફ ગયો હતો. જ્યાં બુટલેગરને મળીને મોટી રકમની માંગ કરી હતી. બુટલેગર સક્ષમ નહીં હોવાના કારણે તેણે કરેલી માંગનો સ્વીકાર કર્યો હતો. પરંતુ છેલ્લે આ મામલો 50 હજારમાં પૂરો કર્યો હતો. પોલીસ કર્મચારી પોતાની સફેદ કલરની કાર લઈને બુટલેગર પાસે ગયો હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી હતી.