- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક
- કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે કરાયું આયોજન
- રાજયમાં 3 જગ્યાએ કરવામાં આવશે ઉજવણી
- બીપીએલ કાર્ડ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પાણી મુદ્દે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી મુદ્દે, બીપીએલ કાર્ડ મુદ્દે અને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વરસાદની પરિસ્થિતિ અને જે વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો તેને લઇને પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમો રાખીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
પીએમ મોદીના જન્મદિવસનું કરાયું આયોજન
વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરે આવનારા જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ત્રણ સ્થળે કાર્યક્રમ યોજવાનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું હોવાની સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. વધુમાં ગાંધીનગર, મોઢેરા, નડાબેટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સાથે જ સ્કૂલ ઓફ એક્સલન્સ લોન્ચિંગ કાર્યક્રમ ઉપરાંત મોટેરા ગામને 'સોલાર ઊર્જા ગામ' તરીકે જાહેર કરવું અને નડાબેટ સીમા દર્શન પ્રોજેકટનું ઉદ્ઘાટન પણ 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. અત્યારે આ બાબતે કાર્યક્રમના આયોજન માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક કમિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીમંત અને પૈસાદાર લોકો BPL કાર્ડનો ઉપયોગ કરતા હોવાની સરકારને આશંકા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કેબિનેટ બેઠકમાં એવું પણ જાણવા મળ્યું રાજ્યમાં બીપીએલ કાર્ડનો ઉપયોગ કરતા લોકોમાં શ્રીમંત અને પૈસાદાર લોકો પણ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ બાબતે અગાઉ પણ ખાનગી રજૂઆત મળી છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હવે રાજ્યમાં બીપીએલ કાર્ડનો ખોટો લાભ લેતા લોકોને રોકવા માટે રાજ્ય સરકાર બીપીએલ કાર્ડ રીસર્વે કરાવે તેવું પણ આયોજન અને ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.
રાજ્યમાં વરસાદની ચિંતા કેબિનેટ બેઠકમાં દેખાઈ
મળતી માહિતી પ્રમાણે કે બેઠકમાં વરસાદની પરિસ્થિતિ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જે વિસ્તારોમાં વરસાદ ઓછો નોંધાયો છે તે વિસ્તારોની પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચોમાસાની સીઝનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે જો વરસાદ ઓછો નોંધાય તો SDRFના નિયમો અનુસાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય પણ રાજ્ય સરકાર ચૂકવે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
વધુ વાંચો: હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોકસ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી
વધુ વાંચો: ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી, ચોટીલામાં મ્યુઝિયમ બનાવવાની સરકારે કરી જાહેરાત