- મતગણતરી દરમિયાન તમામ લોકોએ માસ્ક ફરજિયાત
- તમામ હોલને કરવામાં આવશે સેનિટાઈઝ
- એક મત ગણતરી હોલમાં ફક્ત 7 જ ટેબલ રાખવામાં આવશે
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરીને લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતગણતરીની SOP બહાર પાડવામાં આવી છે. જેમાં કોરોના વાઇરસના સંદર્ભે તમામ તકેદારીના નિયમો SOPમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારને મતગણતરીના સ્થળ પર સભા કે સરઘસ કરવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. આમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને SOPના પાલન માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
કોરોના માટેની સુરક્ષા
આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી ACBમાં મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારી મતગણતરી સ્ટાફ, ડેટા એન્ટ્રી માટેનો સ્ટાફ, ઉમેદવારો, મતગણતરી એજન્ટ સહિત તમામને મતગણતરી હોલમાં પ્રવેશતાં તમામ વ્યક્તિઓએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મતગણતરી સ્થળે સેનિટાઇઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે, જ્યારે તમામને થર્મલ ગણિતિક સ્ક્રિનિંગ બાદ મતગણતરી હોલમાં પ્રવેશ આપવાનો રહેશે. જ્યારે ફરજ પર સ્થાપના વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
મતગણતરી સ્થળે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-બાય રાખવાનો નિર્ણય
રાજ્યની છ કોર્પોરેશન, 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ મતગણતરીના સમયે મતગણતરી કેન્દ્રો પર ફરજિયાત મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા કરવાની રહેશે. આ ઉપરાંત મતગણતરી એજન્ટ કોરોવનાનો રિપોર્ટમાં પોઝિટિવ જણાય કે, કોરોનાના કોઇ લક્ષણો જણાશે તો તેમના સ્થાને અન્ય એજન્ટની પણ નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે મતગણતરી માટે શક્ય હોય, ત્યાં સુધી મોટા હોલ અને સ્થળની પસંદગી કરવાની રહેશે જેથી કર્મચારીઓ અને મતગણતરી એજન્ટો અને મતદાનના કાર્યોમાં કાર્યરત ઉમેદવારો વચ્ચે યોગ્ય અંતર જાળવી શકાય.
મત ગણતરી બાદ EVM કરવામાં આવશે સેનિટાઈઝ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મત ગણતરી બાદ તમામ EVM મશીનને સેનિટાઇઝ કરવાની પણ સૂચના જિલ્લા કક્ષાએ આપવામાં આવી છે. આમ, EVM મશીનના ટેસ્ટ કર્યા બાદ તમામ મશીનોને સંપૂર્ણ સલામતી સાથે ચૂંટણી અધિકારીએ સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવાના રહેશે, જ્યારે સ્ટ્રોંગરૂમ અગાઉથી જ કરવાનો રહેશે.