ગાંધીનગર: રાજ્યમાં ચાલુ સેશન દરમિયાન મગફળીનું મબલક ઉત્પાદન થયું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી મુદ્દે સોમવારે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં 1 ઓક્ટોબરથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. જે 20 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે અને 21 ઓક્ટોબરથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવશે.
કૃષિપ્રધાન આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા થતી ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભપાંચમના દિવસે શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે અધિક માસ હોવાના કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે થયેલી બેઠક બાદ ખરીદીના દિવસમાં ફેરફાર કર્યો છે. જેથી હવે 1 ઓક્ટોબરથી રાજ્યના ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જે રજિસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે, જ્યારે 21 ઓક્ટોબરથી રાજ્યમાં વિવિધ જિલ્લાઓના સેન્ટરોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.
રાજ્યમાં કેટલા સેન્ટરો ઉપર મગફળીની ખરીદી કરવામાં આવશે તે અંગે હજી સુધી રાજ્યના કૃષિપ્રધાને જાહેરાત કરી નથી, પરંતુ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સરળતાથી મગફળીની ખરીદી વેચાણ થઇ શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર વતી નાફેડ દ્વારા કરવામાં આવતી મગફળીની ખરીદીમાં પુરવઠા વિભાગ સાથે મગફળીની ખરીદી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મગફળીની ખરીદી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે પ્રતિ ક્વિન્ટલે 5,275 રૂપિયાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે.