ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં 5 સપ્ટેમ્બરની ઉજવણી શિક્ષક દિન તરીકે કરવામાં આવે આવે છે, ત્યારે દેશમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે સમગ્ર દેશના 47 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ત્રણ શિક્ષકો ગુજરાતના છે. આ ત્રણેય શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશના 36 રાજ્યોમાંથી 47 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોની પસંદગી ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પસંદગી પામેલા શિક્ષકોમાં 3 શિક્ષકો ગુજરાતના છે.
ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ડેડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠાવત, બીજા નંબરે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા ત્રીજા નંબરે અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમ જોશી સામેલ છે. આ ત્રણેય શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનારા આ ત્રણેય શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે.