- ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી
- જામનગરના વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી પોઝિટિવ
- સંપર્કમાં આવેલા તમામ 90 લોકો આઇસોલેશનમાં
- ગુજરાતમાં થશે હવે જીનોમ સિક્વન્સીંગ
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર (Omicron threat in world) મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં જેની બીક હતી તેવું જ બન્યું છે. જામનગરના એક વ્યક્તિ કે જેઓ ઝિમ્બાબ્વેથી દુબઈ થઈને ગુજરાતમાં પરત ફર્યા હતા, તે વ્યક્તિ કોરોના વાયરસના નવા વેરિયન્ટ (Omicron First Case in Jamnagar)થી પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના આરોગ્ય મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વ્યક્તિ નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે, તેમને અત્યારે જામનગરની હોસ્પિટલમાં ડેન્ટલ રૂમમાં અલગ વોર્ડ બનાવી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
90 લોકો સાથે થયો સંપર્ક
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ નવા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે, તે ગુજરાતમાં આવ્યા બાદ 90 લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા, આ તમામ 90 લોકોને અત્યારે આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે તમામ લોકોના ટેસ્ટ કરીને ટ્રેકિંગ પણ સઘન રાખવામાં આવશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વધુમાં વધુ ટેસ્ટ કરીને ટેસ્ટિંગ ટ્રેકિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે.
જામનગર કલેકટરે શું કહ્યું?
ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા નહી, તેઓ અમદાવાદ આવ્યા અને ત્યાંથી બાય રોડ જામનગર ખાતે પહોંચ્યા હતા. હાલમાં કોરોના પોઝિટિવ દર્દીને જી.જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને દર્દીની તબીયત સ્થિર હોવાનું જિલ્લા કલેક્ટર (Jamnagar Collector on Omicron first case) જણાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે જામનગર વાસીઓને અપીલ કરી છે કે, તેઓ કારણ વગર ભીડમાં ન જાય અને માસ્ક પહેરે તેમજ કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરે. દર્દીના સંપર્કમાં આવેલા 90 જેટલા લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં થશે હવે જીનોમ સિક્વન્સીંગ
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેથી વાયા દુબઈ થઈને ગુજરાત આવેલ જામનગરના જે વ્યક્તિ છે, તેના માટે પુણેની લેબ ખાતે સેમ્પલ 30 તારીખે મોકલવામાં આવ્યા હતા, જેની આજે સત્તાવાર રીતે માહિતી સામે આવી છે, પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં જ તમામ વ્યક્તિઓના જીનોમ સિક્વન્સીંગ (genome sequencing in gujarat) થાય તે રીતનો રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરના રોજ મોકલેલ આ રિપોર્ટ 4 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું છે, આમ 5 દિવસ જેટલું મોડું પરિણામ આવ્યું છે, જેથી જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવાની ફરજ પડી છે.
પહેલા મુખ્યસચિવ અને હવે સીએમ ભુપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક
આ પહેલા રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની એક ખાસ બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, અધિક આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠક બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM meeting on Omicron) પણ પોતાના નિવાસસ્થાન ખાતે આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવીને આવનારા દિવસોમાં આરોગ્ય વિભાગની કામગીરી કઈ રીતે થશે? ટેસ્ટિંગ ટ્રેકિંગ અને સર્વેલન્સ કઇ રીતનું રહેશે? તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને હવે વધુ સુદ્રઢ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: Third wave of Corona: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન
આ પણ વાંચો: Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો