- ગામે ત્રણ દિવસનું લોકડાઉન પાડ્યું
- 400 લોકોના RTPCR ટેસ્ટ કર્યા
- અમેરિકા, કેનેડામાં રહેતા NRI ખર્ચ ઉઠાવી રહ્યા છે
ગાંધીનગર: જિલ્લાનું શેરથા ગામ આગામી દિવસોમાં જલ્દી જ કોરોના મુક્ત બની બીજા માટે ઉદાહરણ રૂપ સાબિત થશે. જે માટે NRI પરિવાર દ્વારા તમામ પ્રકારનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગામના તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાવી દીધા છે. જે લોકો પોઝિટિવ આવ્યા છે, તેમની સંપૂર્ણ સારવાર ડોક્ટરની દેખરેખ હેઠળ થઇ રહી છે. જે પણ જગ્યાએ મદદની જરૂર હોય ત્યાં ગામના જ વોલેન્ટિયર્સ ઊભા રહીને લોકોની મદદ કરી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે અને માસ્ક પહેરે તેની સંપૂર્ણ કાળજી ગામની પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ દેખરેખ અમેરિકા અને કેનેડામાં રહેતા NRI પરિવાર રાખી રહ્યા છે.
400 ગ્રામજનોના RTPCR ટેસ્ટ કર્યા, જેમાંથી 50 પોઝિટિવ આવ્યા
સૌપ્રથમ કોરોના મુક્ત ગામ બનાવવા માટે 3 દિવસ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ સહયોગ આપ્યા બાદ એક પછી એક એમ તમામ ગામના લોકોના RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. કુલ 400 લોકોનાં ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 50 જેટલા લોકો પોઝિટિવ આવ્યા હતા. જરૂરિયાત મુજબ કોરોનાગ્રસ્ત ગ્રામજનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માટે ઓક્સિજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સંક્રમિતોને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
યુવા વોલેન્ટિયર્સની અલગ અલગ ટીમો બનાવી
ગામના જ યુવાનો વોલેન્ટિયર્સની અલગ અલગ ટીમો બનાવીને 24 કલાક સેવા આપી રહ્યા છે. જેમાં ડોક્ટર સાથે વિઝીટ કરનારી એક ટીમ છે, ઓક્સિજનના સિલિન્ડર્સની વ્યવસ્થા કરનારી ટીમ, લોકોના ઘરે જઈને કીટ આપનારી ટીમ અને કોરોના ગાઈડલાઈન્સના પાલન માટે કામ કરતી ટીમનો સમાવેશ થાય છે. આ રીતે અલગ અલગ ટીમમાં વહેંચાઈને સંપૂર્ણ કાળજી રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. લોકોને જાગૃત કરવાનું કામ યુવા વોલેન્ટિયર્સ કામ કરી રહ્યા છે.
તમામ ખર્ચ ગામના NRI જ આપશે
ગામના રહેવાસી રોમીલ પટેલે કહ્યું હતું કે, અમેરિકા અને કેનેડામાં રહેતા NRI પરિવાર દ્વારા જે પણ ખર્ચ થશે તેને ઉપાડવામાં આવશે. આ પહેલ તેમણે સામેથી ઉપાડી હતી. જોકે, ખર્ચનો અંદાજ હજુ સુધી માંડવામાં આવેલો નથી. જે લોકો પોઝિટિવ આવ્યા તેમને નાસ લેવાનું મશીન, દવાઓ સહિતની કીટ ઘરે ઘરે જઈને પહોંચાડવામાં આવી રહી છે. જે ટેસ્ટ કરવામાં આવે છે, તેનો તમામ ખર્ચ NRI પરિવાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.