અગાઉ પરીક્ષા માટે ઉમેદવારી કરનાર ધોરણ 12 પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે. પરંતુ આ પરીક્ષા સુધી જ 12 પાસ વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ શકશે. ત્યારબાદ આગામી વર્ષોમાં બિનસચિવાલયની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં ફક્ત ગ્રેજ્યુએટ ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકશે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા બુધવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, અનિવાર્ય સંગોજોના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરીક્ષા રદ્દ કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી તેમજ દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિ મળી રહે તે હેતુથી આ પરીક્ષા અગાઉ પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમજ પરીક્ષા અગેનું નોટિફિકેશન પહેલેથી જ બહાર પડી ગયું હતુ. ધોરણ 12 પાસ લાયકાતની આ છેલ્લી પરીક્ષા હશે. હવે આગામી આવનાર નવી ભરતીમાં જીએડી વિભાગ દ્વારા સ્નાતક સુધીનો અભ્યાસ ક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
આવનારી તમામ પરીક્ષાઓમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર ઉમેદવાર ઉમેદવારી કરી શકશે. સરકારે ઉમેદવારોનો રોષ જોઈને પાછી પાની કરી લીધી હોવાની વાતો વહેતી થઈ છે, પરંતુ બીજીતરફ આ સમગ્ર મુદ્દાને રાજ્યમાં યોજાનારી 6 વિધાનસભાની પેટાચૂંટણી જોડે જોડવામાં આવી રહી છે. આ નિર્ણયના કારણે સત્તા પક્ષને પેટાચૂંટણીમાં ભારે નુકશાન થવાની શક્યતાઓ હોવાથી સરકારે નિર્ણય પરત ખેંચ્યો છે. તેમજ ઉમેદવારોના હિતનું રક્ષણ કર્યુ છે. આમ છતાં, દિવસોના દિવસો પુસ્તકોમાં વિતાવી તૈયારી કરનારા ઉમેદવારોના મનમાં ગહેરી અસર પડી છે. વારંવાર આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકારની નિષ્ફળતાઓ હવે છુપી ન રહેતા સામાન્ય નાગરિકો પણ આ મુદ્દે સરકારની નિંદા કરી રહ્યાં છે.