ગુજરાતને 1600 કિ.મી લાંબો દરિયા કિનારો મળ્યો છે જે કુદરતી ભેટ તરીકે ગણવામાં આવે છે. પરંતુ ગુજરાતના દરિયાઈ ખેડૂતો ખુશ ન હોવાનું શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમ મનની મોકળાશમાં સામે આવ્યું છે. જેમાં સાગર ખેડૂતોના આગેવાનોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતને દરિયા કિનારો લાંબો તો મળ્યો છે પરંતુ આર્થિક રીતે સાગરખેડુ નુકસાન કરે છે. જેનું કારણ ફક્ત એક જ છે કે, ગુજરાત બહારથી આવતા માછીમારો ગુજરાતમાં માછીમારી કરીને સૌથી સારો પાક મેળવી જાય છે. જેથી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપતા કહ્યું હતું કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર એક એવો નિયમ લાવશે કે જેમાં કોઈ પણ બહારના રાજ્યના માછીમાર ગુજરાતની સીમામાં આવીને માછીમારી નહીં કરી શકે.
નિયમને લઈને CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારને આ અંગે ફરિયાદ મળતા ત્વરિત જ આગામી ટૂંક સમયમાં ગુજરાત સરકાર એવો નિયમ લાવશે કે, જેમાં ફક્ત ગુજરાતના દરિયામાં ગુજરાતના જ માછીમારો માછીમારી કરી શકશે અને ગુજરાતથી અન્ય રાજ્યના માછીમાર ગુજરાતની જળ સીમામાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત બીજા રાજ્યના માછીમારો ગુજરાતની જળસીમામાં માછીમારી પણ નહીં કરી શકે. જો કોઈ બીજા રાજ્યનો માછીમાર ગુજરાત રાજ્યની જળસીમામાં માછીમારી કરતાં જણાશે તો તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના દરિયા કિનારાથી પાકિસ્તાન નજીક હોવાના કારણે ગુજરાત રાજ્યના માછીમારો તેમની જાણ બહાર પાકિસ્તાનની સીમામાં પ્રવેશી જાય છે. જેથી પાકિસ્તાની નૌસેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે અને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ સમસ્યાનું સમાધાન કરતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જો ગુજરાતનો આવો કોઈ પણ માછીમાર પાકિસ્તાનની સેના દ્વારા પકડવામાં આવશે, તો તે માછીમારના પરિવારને પ્રતિદિન 300 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. જ્યાં સુધી માછીમાર ગુજરાતમાં ન આવી જાય ત્યાં સુધી રાજ્ય સરકાર માછીમારના પરિવારને આર્થિક સહાય આપતું રહેશે. આ ઉપરાંત માછીમારી કરવા સમયે કોઇ માછીમાર ગુમ થઈ જાય અને 1 વર્ષ સુધી પરત ન આવે અથવા તો મૃત્યુ પામે તો તેવા માછીમારના પરિવારને રાજ્ય સરકાર 2 લાખની સહાય પૂરી પાડશે.
આમ શનિવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાગર ખેડૂતો સાથે મનની મોકળાશ કાર્યક્રમ હેઠળ માછીમારોને લગતા સવાલો અને તેઓ માટે થઇ શકે તેવા નવા સુધારા-વધારા સાથેની ચર્ચા કરી હતી. આ ઉપરાંત વર્તમાન સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા આપે છે તેવી જ સુવિધા હવે દરિયાઈ ખેડૂતોને પણ મળી રહે તેવુ સૂચન સાગર ખેડૂતોના આગેવાનો દ્વારા CM રૂપાણીને કરવામાં આવ્યું હતું.