- રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
- છેલ્લા 2 મહિનાથી ચેન્નાઇમાં લઇ રહ્યા હતા કોરોનાની સારવાર
- ગુજરાતે એક જ અઠવાડિયામાં 2 સાંસદો ગુમાવ્યા
ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેેલે અભય ભારદ્વાજ વિશે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે અભય ભારદ્વાજ છેલ્લા ત્રણ મહિનાથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ જ્યારે રાજકોટની હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જ તેમની પરિસ્થિતિ ક્રિટીકલ હતી, ત્યારબાદ તેમને ચેન્નઈની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું.
રાજ્ય સરકાર વતી શ્રદ્ધાંજલિ પાઠવી
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યસભાના સાંસદ અને ભાજપ પક્ષના આગેવાન એવા અભય ભારદ્વાજના નિધન પર રાજ્ય સરકાર વતી શ્રદ્ધાંજલિ પાઠવી છે. નીતિન પટેલે અભય ભારદ્વાજ વિશે જણાવ્યું હતું કે અભય ભારદ્વાજ એ સૌરાષ્ટ્રના ખૂબ મહત્વના નેતા હતા જેમને સૌરાષ્ટ્રના લોકોએ હવે ગુમાવ્યા છે. અભય ભારદ્વાજ હંમેશા લોકોને મદદરૂપ બનતા. ગુજરાત હંમેશા તેમને યાદ કરશે અને તેમના જવાથી ગુજરાતના જાહેર જીવનને પણ ખોટ પડશે.
એક જ અઠવાડિયામાં રાજ્યસભાના 2 સાંસદોનું કોરોનાથી નિધન
ગુજરાતના રાજ્યસભાના બે મહત્વના સાંસદો એવા કોંગ્રેસ પક્ષના અહેમદ પટેલ અને ભાજપ પક્ષના અભય ભારદ્વાજ બંને રાજ્યસભાના સાંસદ હતા અને બંનેને કોરોના થતા નિધન પામ્યા છે.