- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે રઘુ શર્માએ બેઠક શરૂ કરી
- ગુજરાતના સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક શરૂ કરી
- પરેશ ધાનાણીના નિવાસસ્થાને નહીં યોજાય ડિનર ડિપ્લોમસી
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે નવનિયુક્ત થઈને રાજસ્થાન સરકારના આરોગ્યપ્રધાન રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Shrma ) બે દિવસ ગુજરાત મુલાકાતે છે, ત્યારે ફરી એકવાર (Gujarat Congress) ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રઘુ શર્માનું એરપોર્ટ ઉપર ઢોલનગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન સમક્ષ શિશ નમાવી આશીર્વાદ લીધા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય (GPCC) ખાતે મહિલા કોંગ્રેસે પણ રઘુ શર્માનું ગુજરાતી પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું.
પહેલું નિવેદન
રઘુ શર્માએ ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે હું રાજસ્થાનમાં આરોગ્યપ્રધાન છું જેથી રાજસ્થાન સુરક્ષિત છે. જ્યારે અહીં મુખ્યપ્રધાન અને આખા પ્રધાનમંડળને હાંકી કઢાય છે તે બતાવે છે કે તેઓની કામગીરી નિષ્ફળ રહી છે. ભાજપ પ્રજાને નહીં સત્તાને પ્રેમ કરે છે. રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનમાં ફેરબદલના પણ સંકેત આપ્યાં હતાં. સંગઠન મજબૂત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા ઉપર આંદોલન કરશે,. 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્મા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી