ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ગાંધીનગર શહેર અને તાલુકામાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે રૂપાલ ગામમાં પણ ગૃહપ્રધાનના હસ્તે વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરાયું હતું. આ સમયે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રૂપાલમાં પહોંચ્યાં હતાં. લોકાર્પણમાં ભાગ લીધા બાદ તેમણે મીડિયાને નવરાત્રિ અંગે જણાવ્યું હતું કે સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. નવરાત્રિ આસ્થાનું કેન્દ્ર છે. કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો અભ્યાસ કરવામાં આવશે ત્યારબાદ ગરબા યોજવા કે નહીં તેનો નિર્ણય લેવાશે.
બીજીતરફ રાજ્યમાં શાળાઓ ખોલવા સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની ગાઈડલાઈન સ્પષ્ટ નથી. જ્યારે રાજ્ય સરકારે શાળાઓ ખોલવામા બાબતે કોઇ વિચારણા કરી નથી. કોરોના કોઈનો સગો નથી, ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 21મીથી મળી રહ્યું છે. ત્યારે તેમણે કહ્યું કે આ સત્રમાં 24 બિલ લાવવામાં આવશે, જેમાં પ્રજાનું હિત રહેલું હશે. પ્રશ્નોત્તરીકાળ બાબતે કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં નિર્ણય લેવાશે. નવા પ્રધાનમંડળ બાબતે તેમણેે મગનું નામ મરી પાડવાનું ટાળ્યું હતું અને મારી પાસે કોઈ માહિતી નથી તેવો જવાબ આપ્યો હતો.