- સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી ધીમી
- વર્ષ 2019માં એક પણ ઘરમાં નળ કનેક્શન નથી અપાયા
- 2020માં 222 ઘરને જ નળ કનેક્શન અપાયા
- હવે આગામી ડીસેમ્બર 2022 સુધી 45,117 નળ કનેક્શન અપાશે
ગાંધીનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજનાનું કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેથી વિધાનસભામાં સોમવારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તાલુકાવાર નલ સે જલ યોજના અંતર્ગત કેટલા ઘરોમાં નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, તેવો પ્રશ્ન પાણી પુરવઠા પ્રધાનને કર્યો હતો.
10 તાલુકામાં 45,561 નળ કનેક્શનની જરૂર
જવાબમાં જાણવા મળ્યું હતું કે, આ જિલ્લામાં આવતા 10 તાલુકામાં 45,561 નળ કનેક્શનની જરૂર છે, જેમાં અત્યાર સુધી માત્ર 222 નળના કનેક્શન જ અપાયા છે. તેમાં પણ છેલ્લા બે વર્ષમાં આ કામગિરી થઈ છે. 2019ની વાત કરીએ તો આ વર્ષમાં એક પણ નળ કનેક્શન ઘર સુધી અપાયા નથી. 2020માં જ આ કાર્ય થયું છે. ત્યારે 2022 સુધીમાં બાકીના કનેક્શન આપવાનું કાર્ય કેવી રીતે પૂરું કરશે તે પણ એક સવાલ છે.
આ પણ વાંચોઃ નીતિન પટેલની ટીપ્પણી બાદ કોંગ્રેસના અનુસુચિત જનજાતિના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું
10 તાલુકાના ઘરો નળ કનેક્શનથી હજૂ પણ વંચિત
વઢવાણ, મુળી, સાયલા, ચોટીલા, લખતર, થાનગઢમાં હજુ સુધી એક પણ નળ કનેક્શન અપાયા નથી. જ્યારે દસાડામાં 10, ધ્રાંગધ્રામાં 80, લીમડીમાં 13 અને ચુડા તાલુકામાં 119 નળ કનેકશન આપવાની કામગિરી થઇ છે. એ પણ ઘણી અધૂરી છે.
આ તાલુકાઓમાં મોટી સંખ્યામાં કનેકશનો બાકી
વઢવાણમાં 3986, મુળીમાં 2714, સાયલામાં 6634, ચોટીલામાં 2657, લખતરમાં 5446, થાનગઢમાં 1579, દસાડામાં 8888, ધ્રાંગધ્રામાં 2886, લીમડીમાં 7723 અને ચુડા તાલુકામાં 2826 નળ કનેકશન આપવાની કામગિરી બાકી છે.
655 દિવસમાં બાકી રહેલા 45,117 ઘરો સુધી નળ કનેક્શન કેવી રીતે પહોંચશે?
બાકીના નળ કનેકશન આપવાની કામગિરી ક્યારે પૂરી કરવામાં આવશે તેના જવાબમાં કહ્યું હતું કે, આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ કનેક્શન ઘરો સુધી પહોંચાડશે. પરંતુ જે કામ 730 દિવસમાં પૂરું નથી થયું તે માર્ચ મહિનાથી ગણતરી કરીએ તો હવે બાકી રહેલા 655 દિવસમાં કેવી રીતે પૂર્ણ થશે.