- છેલ્લા 24 કલાકમાં 12,553 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં 4,802 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 125 દર્દીઓના મોત નિપજ્યા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં નવા 12,553 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ કહી શકાય તેમ છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 125 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના બન્યો બેકાબૂ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4821 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 919 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 25 જેટલા નોંધાયા છે. જ્યારે સુરતમાં 1849, રાજકોટમાં 397 અને વડોદરામાં 475 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં રસીકરણની સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતી કોરોનાની યાદી મુજબ, રાજ્યમાં બુધવારે કુલ 54,548 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 90,93,538 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 16,22,998 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી. જ્યારે, રિકવરી રેટ પણ ઘટીને 79.61 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,50,865 દર્દીઓએ કોરોનાને માત આપી હોવાનું જાણવા મળ્યું છે.