ગાંધીનગરઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી અને વિવિધ આંદોલન જાણે એકબીજાના પર્યાય જેવા બની રહ્યાં છે. આ સ્થળે લાંબોસમય ચાલેલાં એલઆરડી મહિલા ઉમેદવારોના આંદોલનની સફળતા બાદ હવે પુરુષ ઉમેદવારોએ પણ એ જ મામલે બાંયો ચડાવી છે.
આજે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એલઆરડી પુરુષ ઉમેદવારો પોતાના મેરિટમાં પણ મહિલા ઉમેદવારોની જેમ 62.5 ટકાનો લાભ આપવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં.
આ પુરુષ ઉમેદવારો દ્વારા મહિલાઓની જેમ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ કરવા માટે કેટલાક દિવસોથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જોકે આ પહેલાં પણ થયેલાં આવા પ્રયત્નને પોલિસે ઉમેદવારોને ડીટેઈન કરીને નિષ્ફળ બનાવ્યો હતો.તેમ જ આજે પણ પુરુષ ઉમેદવારો એકઠાં થઈ રહ્યાં હતાં ત્યારે જ ગાંધીનગર પોલિસે કેટલાક ઉમેદવારોને ડીટેઈન કરીને ખસેડી લીધાં હતાં. જ્યારે કેટલાક ઉમેદવારો દ્વારા પોતાની માગણી દર્શાવતાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને રેલી કરી હતી.