- રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ
- નાયબ મુખ્યપ્રધાબ નીતિન પટેલે કર્યો જીતનો દાવો
- ગત ચૂંટણીમાં જે બેઠકો હાર્યા હતા તે બેઠકો જીતવાનો કરવામાં આવશે પ્રયાસ
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે શનિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણીની તૈયારીમાં સંપૂર્ણપણે લાગી જશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં જ આ ચૂંટણી અગત્યની ચૂંટણી ગણવામાં આવશે.
લોકસભામાં 26 બેઠકો જીતી, આ ચૂંટણીમાં તમામ બેઠકોમાં જીત મેળવીશું
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 26 બેઠકોમાંથી ભાજપ પક્ષી જીત મેળવી હતી. BJP અને વડાપ્રધાન મોદી પર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો, જ્યારે ગત 25 વર્ષથી તમામ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અત્યારે જ્યાં ચૂંટણી થશે ત્યાં ત્યાં ભાજપની સત્તા આવશે તેવો વિશ્વાસ પણ નીતિન પટેલે વ્યક્ત કર્યો છે. આ સાથે જ જે બેઠકો પર ભાજપે હાર મેળવી છે તે બેઠકો બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમુક સામાજિક કારણોસર બેઠકો હારી ગયા હતા ત્યારે હવે આ વર્ષે આ બેઠકો ફરીથી જીતવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિકાસના કામની કરી ચર્ચા
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાતના વિકાસ આગળ વધારવા રાજ્ય સરકાર ધ્યાન આપી રહી હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સરકાર સફળ રહી છે, જ્યારે કોરોનાની મહામારી દરમિયાન સરકારના દરેક વિભાગના અધિકારીઓ પણ લોકોની સેવામાં જોડાયા હતા. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થશે અને જંગી બહુમતીથી ભાજપનો વિજય થશે તેવું નિવેદન પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.
કોર્પોરેશન અને પંચાયતની મતગણતરી અલગ હોવા પર નીતિન પટેલ બોલ્યા : દર વર્ષે થાય તેવું જ થયું છે
રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોર્પોરેશન અને પંચાયતની મતગણતરી અલગ-અલગ દિવસે રાખી હોવાની બાબત ઉપર કોંગ્રેસે વિરોધ કર્યો છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના વિરોધનો જવાબ આપ્યો હતો કે, તમામ સત્તા રાજ્ય ચૂંટણી પંચ નક્કી કરે છે. આ અગાઉની પરંપરા મુજબ જ ચૂંટણી પંચે ટાઈમ ટેબલ તૈયાર કર્યા હોવાનું નિવેદન પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું હતું.