- કોર્પોરેશન નવા સ્મશાનો સક્રિય કરશે
- આ પહેલા બે સ્મશાનો જ ચાલુ હતા
- અત્યાર સુધી માત્ર 13 ભઠ્ઠીઓ કાર્યરત હતી
ગાંધીનગર : પાટનગરમાં છેલ્લા 20 દિવસથી કોરોનાગ્રસ્ત લોકોને ડેથ રેસિયો એટલો વધી ગયો છે કે, સ્મશાનોમાં પણ ચારથી પાંચ કલાકના વેઇટિંગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી બે સ્મશાનો સક્રિય હતા. જેમાં એક જ સ્મશાનમાં દૈનિક 40 કોરોનાગ્રસ્ત મૃતદેહો લાવવામાં આવી રહી છે. સોમવારના રોજ મુક્તિધામ સ્મશાનમાં 43 કોરોનાગ્રસ્ત મૃતદેહો લાવવામાં આવ્યા હતા. આ આંકડો દરેકને આશ્ચર્યમાં મૂકી દે તેવો છે. જે જોતા તંત્રએ નવા સ્મશાનો સક્રિય કરવાનો નિર્ણય લીધો છે. બહુ જલ્દી ગાંધીનગરના અન્ય 8 સ્મશાનો સક્રિય કરવામાં આવશે. કુલ 10 સ્મશાનોમાં 32 ભઠ્ઠીઓની સુવિધા ઉભી કરાશે.
આ પણ વાંચો - ગાંધીનગરના મુક્તિધામ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે 4 કલાકનું વેઈટિંગ
8 સ્મશાનોને સક્રિય કરવાનો તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
વેઇટિંગ જોતા 8 નવા સ્મશાનોમાં ભઠ્ઠીઓ વધારવામાં આવશે. જેમાં પેથાપુર, રાંધેજા, રાયસણ, કોબા, ઝુંડાલ, વાવોલ, ભાટ, ખોરાજ જેવા 8 સ્થળોના પંચાયત તેમજ સંસ્થા દ્વારા ચાલતા 8 સ્મશાનોને કોર્પોરેશન દ્વારા સક્રિય કરવામાં આવશે, તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવેએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જેથી સ્વજનો અલગ અલગ જગ્યાએ અંતિમ સંસ્કાર કરી શકશે.
આ પણ વાંચો - ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
8 સ્મશાનોમાં આ પહેલા મેન પાવર, લાકડા જેવી સામગ્રીનો અભાવ હતો
આ સ્મશાન ઘણા સમય પહેલા કાર્યરત હતા. આ પહેલા નિષ્ક્રિય રહેલા આ સ્મશાનોમાં મેન પાવર, લાકડાઓ તેમજ અન્ય સામગ્રી ન હોવાના કારણે બંધ કરવા પડ્યા હતા, ત્યાંથી લોકો રુદ્રભૂમિ અને મુક્તિધામ આવતા હતા. જેથી હવેથી ત્યાં તમામ પ્રકારની અંતિમવિધિની સુવિધા પૂરી પાડવામાં આવશે. લોકો હવે અંતિમક્રિયા માટે ત્યાં જઈ શકશે. લાકડા વગેરે કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવશે.
આ પણ વાંચો - ગાંધીનગર: ઓક્સિજન બેડ મામલે કલેક્ટરે મૌન તોડ્યું, ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની અછત
હાલ બે સ્મશાનો એક્ટિવ, એક જ સ્મશાનમાં 40 કોરોનાગ્રસ્ત મૃતદેહો લવાય છે
આ પહેલા રુદ્રભૂમિ અને મુક્તિધામ બે સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા, પરંતુ ત્યાં લાંબી લાઈન લાગતી હતી. એક મહિના પહેલા આ બન્ને સ્મશાનોમાં 9 ભઠ્ઠીઓ કાર્યરત હતી. હાલ 13 ભઠ્ઠીઓ આ બન્ને સ્મશાનમાં કાર્યરત છે. આગામી એક અઠવાડિયામાં 10 ભઠ્ઠીઓ બીજી વધારાશે. સેક્ટર 30 ખાતેના મુક્તિધામ સ્મશાનની જો વાત કરવામાં આવે તો અહીં સૌથી વધારે મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. કુલ સોમવારના રોજ 70 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. જેમાં 43 કોરોનાગ્રસ્ત મૃતદેહો હતા. હવેથી આ સ્મશાનોમાં પણ 10 નવી ભઠ્ઠીઓ શરૂ કરાશે. જેથી કુલ 32 ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવશે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સ્મશાનોમાં કેટલા મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - ગાંધીનગર સિટીમાં કોરોના ટેસ્ટિંગ માટે એક જ ડોમ