- કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી
- શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ અલગ અલગ નિમંત્રણ મોકલ્યા
- ગઈ કાલે શહેર કોંગ્રેસે મોકલેલું નિમંત્રણ કેન્સલ કરાયું
ગાંધીનગર : કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા શરૂ કરવામાં આવી છે જેને લઇને કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમની મુખ્ય ચાર માગણીઓ છે આ માંગણીઓ સાથે ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રદેશ કક્ષાએથી એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લા અને શહેર પ્રમુખ દ્વારા એક જ કાર્યક્રમ કરવો. પરંતુ ગઈકાલે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ યાત્રા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે બાદ કેન્સલ કરવામાં આવ્યું હતું અને આજે ફરી નિમંત્રણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવ્યું હતું જેથી સંકલનનો અભાવ છે તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
શહેર કોંગ્રેસનું અને જિલ્લા કોંગ્રેસનું જુદું સ્ટેટસ છે
જિલ્લા કોગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું, "શહેર કોંગ્રેસનું જુદુ સ્ટેટસ છે અને જિલ્લા કોંગ્રેસનું પણ જુદું જ સ્ટેટસ છે. સંકલન અમારે પ્રદેશ સાથે કરવાનું હોય છે જો કે શહેરને જિલ્લાનું તો હોય જ છે. સંકલનનો અભાવ છે તે વાત બિલકુલ વ્યાજબી નથી." પરંતુ જો એવું હોય તો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શા માટે ગઈકાલે પાઠવવામાં આવેલું નિમંત્રણ કેન્સલ કરવામાં આવ્યું તે પણ એક સવાલ છે. જોકે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવતું હોય છે ત્યારે જૂજ સંખ્યામાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળતા હોય છે. જેથી સંકલન અને એકતાનો પણ અભાવ જોવા મળે છે. આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે જો આ પ્રકારની સ્થિતિ રહી અને સંકલન ન જોવા મળ્યું તો તેની અસર આગામી સમયમાં ચૂંટણી પર પણ થઈ શકે છે.
કોવિડ યાત્રામાં કોંગ્રેસની આ 4 માગણીઓ
સૂર્યસિંહે વધુમાં જણાવ્યું કે, કોરોનામાં 40 લાખથી વધુ મૃત્યુ દેશમાં લોકોના થયા છે. ગુજરાત સરકારે પણ જે કરવું જોઈતું હતું તે કરી શકી નથી. ઇન્જેક્શન વગર દવા વગર લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેથી કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રા ઘોષિત કરવામાં આવી છે. જેમાં કોરોના મહામારીના સંક્રમણ આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા મૃતકના પરિવારને 4 લાખનું વળતર મળે, કોરોના સંક્રમિત તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર ખર્ચની ચુકવણી કરવામાં આવે, કોરોનામાં સરકારી તંત્રની સંપૂર્ણ નિસફળતા અને બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે અને કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા કોરોના વોરિયરના વારસદારોને કાયમી નોકરી આપવા કોંગ્રેસે માંગ કરી છે.
આ પણ વાંચોઃ ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર - "સરકાર લાજવાના બદલે ગાજે છે"
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના મોદી અટકના નિવેદન મામલે હાઇકોર્ટનો આદેશ, સુરત ટ્રાયલ કોર્ટમાં નવેસરથી સુનાવણી