- રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
- સોમ-મંગળવારે તમામ પ્રધાનોને ફરજીયાત સચિવાલયમાં હાજર રહેવા સૂચના
- ધારાસભ્યો સીધા અધિકારીઓને મળી શકે તેવી વ્યવસ્થા કરાઈ
ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel )ની અધ્યક્ષતામાં યોજાયેલી નવી સરકાર( Gujarat Government )ની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વના વહીવટી નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં તમામ અધિકારીઓ અને પ્રધાનોને ખાસ સૂચના આપતાં જણાવ્યું હતું કે, સોમવાર અને મંગળવારે તમામ પ્રધાનોએ ફરજિયાત સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં પોતાના કાર્યાલય ખાતે ફરજિયાત હાજર રહેવું પડશે. આ ઉપરાંત તમામ અધિકારીઓએ પણ તેમની ઓફિસમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આનંદીબેન પટેલની સરકારમાં પણ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
મુલાકાતીઓને ખોટો ધક્કો ન થાય તે માટે લેવાયો નિર્ણય
કેબિનેટ બેઠક બાદ રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના ગામો, શહેરોમાંથી આવતા તમામ મુલાકાતીઓને ગાંધીનગરનો મોટો ધક્કો ન ખાવો પડે તેને ધ્યાનમાં લઇને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ 2 માં તમામ પ્રધાનો સોમવાર અને મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન હાજર રહેવું પડશે. આ ઉપરાંત, અધિકારીઓને પણ સોમવારે અને મંગળવારે દિવસ દરમિયાન તેમની ઓફિસમાં હાજર રહેવું પડશે.
અધિકારીઓ ધારાસભ્યોને રાહ ના જોવડાવે તેવી વ્યવસ્થા
વિધાનસભા ગૃહમાં વિજય રૂપાણી સરકાર દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા અધિકારીઓ મળતા નથી, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી, તેવી અનેક વખત રજૂઆત વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવી હતી, ત્યારે તેને ધ્યાનમાં લઈને આજે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં ધારાસભ્યો માટે અધિકારીઓની મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સોમવારે અને મંગળવારે ધારાસભ્યો અધિકારીઓની મુલાકાત કરી શકે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ અધિકારીઓ ધારાસભ્યોને રાહ ન જોવડાવવા અને સીધા ઓફિસમા પ્રવેશ કરે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે.
સોમ-મંગળવારે કોઈ કાર્યક્રમ રહેશે નહીં
કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં નિર્ણય થયા પ્રમાણે સોમવારે અને મંગળવારે કોઈ પણ પ્રધાનના અને અધિકારીના જાહેર કાર્યક્રમ રાખવામાં આવશે નહીં, આમ તમામ પ્રધાનોએ સચિવાલયમાં ફરજિયાત હાજર રહેવું પડશે, જ્યારે જો કોઈ ઈમરજન્સી હોય તો પ્રધાનો અને અધિકારીઓને છૂટછાટ આપવામા આવશે.
આનંદીબેન પટેલની સરકારમાં કર્યો હતો નિર્ણય
મહત્વની વાત કરવામાં આવે તો આજે બુધવારે પટેલની સરકાર દ્વારા સોમવારે અને મંગળવારે બધાને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, આ સાથે તમામ અધિકારીઓને પણ સોમવારે અને મંગળવારે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, આવી જ સૂચના અગાઉ પણ આનંદીબેન પટેલની સરકારમાં પણ આપવામાં આવી હતી અને તેને ફરી રિપીટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: