ગાંધીનગર: રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે આજે મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. જેમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાં વિશે પીએમ મોદીને જાણકારી આપી હતી. આ સાથે જ પીએમ મોદીએ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓથી સંતોષ વ્યક્ત કરીને આ સંભવિત વાવાઝોડા નિસર્ગની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદ આપવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 16,597 નાગરિકોને મોડી સાંજ સુધીમાં સલામત સ્થળે ખસેડાયા છે. જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે નિસર્ગ વાવાઝોડા સંદર્ભે જણાવ્યું છે કે, આ વાવાઝોડું આવતીકાલે ૩જી જૂનને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાશે એવી સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠાના સંભવિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 16,597 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
નિસર્ગ વાવાઝોડા સંદર્ભે દરિયાકિનારાથી ત્રણ કિલોમીટર સુધી આવેલા ગામો/બેટની સ્થળાંતરની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યના સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ભાવનગર, આણંદ, અમરેલી અને ગીર સોમનાથ એમ કુલ આઠ જેટલા દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના 21 તાલુકાઓના 167 ગામ/બેટની કુલ વસ્તી 5,79,906 છે. જેમાંથી 34,885 લોકોનું સ્થળાંતર કરવાની આવશ્યકતા છે. તેમાંથી અત્યાર સુધીમાં 16,597 લોકોને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા આયોજન બદ્ધ રીતે 265 જેટલા સલામત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું અને જિલ્લાનું વહીવટીતંત્ર સુસજ્જ છે. રાજ્યના કંટ્રોલરૂમ ખાતેથી અસરગ્રસ્ત જિલ્લાના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્ક કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પવનની તીવ્રતાને ધ્યાને લઇને જરૂર જણાય તો હાઇવોલ્ટેજ લાઈનો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શમાં રહીને બંધ કરવા પણ સૂચના આપી દેવાઇ છે. આ જ રીતે અસરગ્રસ્ત વિસ્તારની એરપોર્ટ ઓથોરિટીને વાવાઝોડાને લાગત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે, તેમજ માછીમારો પણ સરકારની મંજૂરી સિવાય દરિયો ખેડે નહીં તે માટે ફિશરીઝ અને મેરીટાઈમ બોર્ડને સૂચના આપવામાં આવી છે.