- રાજ્યના તમામ પોલીસ જવાનોને ત્રીજી લહેર માટે સુરક્ષા પૂરી પાડવામાં આવશે
- રાજ્યના 92,000 પોલીસ જવાનોને ઇમ્યુનિટી બુસ્ટરના ડોઝ આપવામાં આવ્યા
- રાજ્યના તમામ જિલ્લા એસ.પી. અને પોલીસ કમિશ્નર કચેરીને સ્ટોક અપાશે
ગાંધીનગર: કોરોનાથી વૈશ્વિક મહામારીમાં ગુજરાત પોલીસના જવાનો ખડેપગે કોરોનાના નિયમોનું જાહેર જનતા પાસેથી ચુસ્ત પાલન કરાવી રહ્યા છે. જેમાં કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં અનેક પોલીસ કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાંથી અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું નિધન થયું છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આગાહી તજજ્ઞો દ્વારા આપવામાં આવી છે. જેમાં પોલીસ જવાનોમાં ઇમ્યુનિટી બૂસ્ટ થાય તે માટે એક ખાનગી કંપની દ્વારા ગુજરાત રાજ્યના 92 હજાર પોલીસ જવાનો અને કર્મચારીઓને ઇમ્યુનિટી બૂસ્ટર પેકેજ આપવામાં આવ્યું છે.
જૂન મહિનામાં કરવામાં આવ્યું આયોજન
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને ઇમ્યુનિટી પુષ્ટ કરવા માટેનું આયોજન જૂન મહિનાથી કરવામાં આવ્યું હતું. જૂન મહિનામાં રાજ્યના પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જ્યારબાદ તેને ખાનગી કંપનીને આપવામાં આવ્યું હતું. જેના આધારે ઓગસ્ટ મહિનામાં રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને એક મહિના માટેની દવાઓનું વિતરણ કરવામાં આવશે.
એક મહિના માટેનો કોર્સ
ખાનગી કંપની દ્વારા આજે શુક્રવારે રાજ્યના પોલીસ જવાનોને આપવામાં આવેલા ઇમ્યુનિટી બૂસ્ટર પેકેજની દવા એક માસ માટે આપવામાં આવી છે. જ્યારે આ બાબતે એડિશનલ DGP નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ માટે આ કીટ ઉપલબ્ધ કરવામાં આવશે, પરંતુ જે તે પોલીસ કર્મચારી પોતાના ડોક્ટરની સલાહ સૂચન લઈને આ કીટનો ઉપયોગ કરે તેવી પણ સૂચના રાજ્યના એડીશનલ DGPએ આપી હતી.