- ગાંધીનગર રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ કામ પૂરજોશમાં
- PM મોદીનો છે ડ્રીમ પ્રોજેક્ટ, રેટમાં ફેરફાર નહીં હોય
- મહાત્મા મંદિરની સામે જ રેલવે ટ્રેક પર બનાવવામાં આવી રહી છે 5 સ્ટાર હોટલ
- હોટલમાં જવા માટે સ્પેશિયલ બ્રિજ બનાવાયા
ગાંધીનગર : સમગ્ર પ્રદેશમાં ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે બની રહેલા હોટલ એ પ્રથમ એવી ફાઇવ સ્ટાર હોટલ છે કે જે રેલવે ટ્રેક પર બની રહી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હોટલમાં ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે ગાંધીનગર રેલવેે સ્ટેશન પર બની રહેલી આ ફાઈવ સ્ટાર હોટલ PM મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે.
- સમગ્ર દેશમાં પ્રથમ હોટલ જે રેલવે ટ્રેક પર બની રહી છે, રેલવે સ્ટેશનથી હોટલમાં જવા માટે લિફ્ટ મૂકાઈ
ગાંધીનગર ખાતે હોટલમાં રોકાણ કરવા ઈચ્છતા પ્રવાસીઓ અને વ્યક્તિઓને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી હોટલમાં જવું હોય, તો તેમના માટે સ્પેશિયલ રેલવે પ્લેટફોર્મ પર જ 2 લિફ્ટ બનાવવામાં આવી છે. આમ ટ્રેનમાંથી ઊતરીને સીધા જ હોટલમાં જઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બહારથી કોઈને હોટલમાં જવું હોય તો મહાત્મા મંદિર ખાતેના રસ્તાની બાજુમાં પણ એક એન્ટ્રી અને એક્ઝિટ માટેના બ્રિજ પણ બનાવવામાં આવ્યાં છે.
- 5 સ્ટાર હોટલના રેટમાં કોઈ સમાધાન નહીં
ફાઈવ સ્ટાર હોટલમાં રેટની જો વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર રેલવે સ્ટેશન પર બની રહેલી PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને રેલવે ટ્રેકની ફાઈવ સ્ટાર હોટલમાં ભાડા માટે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે જે ફાઇવ સ્ટાર હોટલના રેટ વર્તમાન સમયમાં ચાલી રહ્યાં છે, તે જ રેટ પર ગાંધીનગર રેલવેે સ્ટેશન પર બની રહેલી ફાઇવ સ્ટાર હોટલ પણ રન કરવામાં આવશે.
- હજૂ 20 ટકા જેટલું કામ બાકી
ETV BHARATની ટીમે આજે ગાંધીનગર રેલવે સ્ટેશન પર હોટલ લીલાની બહારથી મુલાકાત કરી હતી, પરંતુ હજૂ લીલા હોટલનું કામ 70થી 80 ટકા પૂર્ણ થયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે હજૂ પણ 20થી 30 ટકા જેટલું કામ ચાલી રહ્યું છે. આમ આ કામકાજ પૂર્ણ થવામાં હજૂ પણ વધુમાં વધુ બેથી ત્રણ મહિના જેટલો સમય લાગે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
- ગત વર્ષે રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પણ કરી હતી મુલાકાત
ગાંધીનગર રેલવે ટ્રેક પર ફાઇવ સ્ટાર હોટલનું કામ પૂરજોશમાં ગતિમાન છે. આ પ્રોજેક્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે ગત વર્ષે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પણ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરીને કામકાજની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતાં અને હોટલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે બાબતની પણ ટકોર કરવામાં આવી હતી.
- જો આ જાન્યુઆરીમાં વાઇબ્રન્ટનું આયોજન થયું હોત તો લોકાર્પણ નક્કી હતું
રાજ્યમાં દર બે વર્ષે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વાઇબ્રન્ટ મહોત્સવ મોકૂફ રાખ્યો છે. જે આવનારા મહિનામાં યોજાશે, પરંતુ જો જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ મહોત્સવનું આયોજન થયું હોત તો હોટેલ લીલાનું લોકાર્પણ PM મોદી દ્વારા જ કરવામાં આવવાનું નક્કી હતું, પરંતુ વાઇબ્રન્ટ ન થવાના કારણે હોટલ લીલાનું લોકાર્પણ પણ પાછું ખસેડવામાં આવ્યું છે. જ્યારે હવે આગામી મહિનાઓમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર વાઈબ્રન્ટ મહોત્સવ કરશે, તો આ હોટલનું લોકાર્પણ કરવામાં આવશે.