ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જલશક્તિ,પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા, સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને 24x7 સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન 1 એપ્રિલ 2017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ અન્વયે BVG ઇન્ડીયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ 1.74 લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા, સફાઇની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ગૌરવ માટે સોમનાથ યાત્રાધામ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા છે. આગામી, 6 સપ્ટેમ્બર 2019 શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે.