રાજ્યમાં વધુ વરસાદને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ NDRF અને SBRFની કામગીરીની સમીક્ષા કરી હતી. સી.એમ રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ અને જામનગર સહિતની સ્થિતિની ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોય, તેવા સ્થળોએ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને કારણે 11 જેટલા લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ, નડિયાદ, નિઝરમાં તથા અન્ય જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા તમામ સ્થળ પર તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે તમામ ડેમો ભરાઈ ગયા છે. રાજ્યમાં 77.80 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બરવાળામાં 15 ઇંચ, મહુધા- ધંધુકામાં 13 ઈંચ, કડી ગઢડામાં 12 ઈંચ અને રાણપુર ગલતેશ્વરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે રાજયમાં ચાલુ મૌસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે વરસાદની ઘટને કારણે અનકે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે તમામ જિલ્લામાં પૂરતો વરસાદ પડ્યો હોવાથી તમામ જિલ્લા અછત મુક્ત કર્યા છે.